Junagadh Heavy Rains: દ્વારકાની સાથે જૂનાગઢમાં પણ સ્થિતિ વિકટ છે, છેલ્લા બે-ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના હાલ બેહાલ છે, જ્યાં પાણી ભરાયેલા છે, તે ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, અનેક વિસ્તાર જળમગ્નની સ્થિતિમાં છે, ત્યારે જુઓ ભારે વરસાદને કારણે હેરાન-પરેશાન પ્રજાનો આ અહેવાલ.


  • જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ હજુ યથાવત્

  • રોડ-રસ્તા અને ખેતરોમાં પણ હજુ પાણી જ પાણી

  • મુશળધાર વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી 

  • સાંબેલાધાર વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી

  • ગઢ ગિરનારની સીડીઓ પરથી વહ્યો પાણીનો ધોધ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનું કારણ હાલમાં જે સિસ્ટમ બનેલી છે એ ઉત્તર ગુજરાત, કચ્છ અને અરબી સમુદ્રની આસપાસ બનેલી છે, જેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં થઈ હોવાથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં શીઅર ઝોન અને ઑફ્ટર ટ્રફ (હવાનું હળવું દબાણ) રેખા જે દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી અરબી સાગરમાં બનેલી છે, તેના કારણે અહીં વરસાદ થયો છે.


જૂનાગઢમાં મુશળધાર મેઘરાજીએ વેરેલી તારાજીની વાત કરીએ તો અનરાધાર વરસાદથી પવિત્ર દામોદર કુંડમાં પાણીનો ધસમસમતો પ્રવાહ વહી રહ્યો છે. પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે તેની વચ્ચે જે પણ આવે તેને લઈ જવા માટે ઉતાવળો છે. ગિરનારની સીડીઓ પરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેના કારણે નજારો નયનરમ્ય લાગી રહ્યો છે. પ્રવાસીઓ પણ વરસાદની મનભરીને મજા માણતાં જોઈ શકાય છે. બીજી તરફ શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.


  • વરસાદ ઓછો થયો પણ સમસ્યા નહીં 

  • સોસાયટીઓમાં ભરાયેલા છે ઘૂંટણ સુધી પાણી

  • પાણી ન ઓસરતાં લોકોનો તંત્ર સામે રોષ


છેલ્લા 2 દિવસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તાર જળમગ્ન બનેલા છે. શાંતેશ્વર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટી જાણે સરોવર હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં પાણી ભરાયા તે ન ઓસરતાં લોકો તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. દર ચોમાસામાં આવી જ સ્થિતિ થતી હોવાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે. કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો અને વાડી વિસ્તાર હજુ પણ પાણીમાં છે. કેશોદના બામણાસા, સરોડ, ઝાલાવાડ સહિતના ગામોમાં પાણી ભરાયેલા છે. જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેતરમાં પાણી ભરાયેલા હોવાથી મોટા પ્રમાણમાં પાક નાસ પામ્યો છે. ખાસ મગફળી, કપાસ, સોયાબીનના પાકને નુકસાન ગયું છે. ખેતરો જાણે બેટ કે સરોવર હોય તેમ લાગી રહ્યું છે.


  • ખેતર અને વાડી વિસ્તારમાં પાણી જ પાણી

  • મગફળી, કપાસના પાકને મોટા પાયે નુકસાન

  • ખેતરમાં નજર કરીએ ત્યાં જોવા મળે છે પાણી


માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક રોડ રસ્તા પાણીમાં ડૂબી જતાં મટીયાણા, આંબરડી, પાદરડી, બાલગામનો સંપર્ક કપાઈ ગયો છે. અવિરત વરસાદના કારણે ઘેડની સ્થિતિ વધારે વિકટ બનતી જઈ રહી છે. ઘેડમાં આ પહેલા પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. જૂનાગઢ મહાનગર છે, પરંતુ આ મહાનગરની દશા વરસાદે કેવી રીતે બગાડી દીધી છે તે જોઈ શકાય છે. જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં તેને બંધ કરવાની ફરજ પડી છે...અંડરપાસની ડિઝાઈન હોશિયાર એન્જિનિયરોએ એવી બનાવી છે કે તેમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. અંડરપાસમાં કમરસુધી ભરાયેલા પાણીને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.


  • ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

  • ગામ અને ગલીમાં ભરાયેલું છે પાણી

  • ઘેડ પંથકના હાલ છે બેહાલ


ઝાંઝરડા રોડ પર આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અંડરપાસમાં પાણી ભરાતા આઝાદ ચોક, ચિતા ખાના, મજેવડી દરવાજા વિસ્તારના લોકોને ભારે સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. અવિરત વરસી રહેલો વરસાદ હવે ક્યારે શાંત થાય છે તે જોવું રહ્યું.