વડોદરાવાસીઓ સાવધાન, આવી રહ્યું છે પુર! વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટી, લોકોના જીવ અધ્ધર
અમદાવાદ હોય કે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાત. ગુજરાતમાં તમામ જગ્યાએ પાણી જ પાણી છે. આકાશમાંથી વરસતો આ અનરાધાર વરસાદે ગુજરાતને એવું ઘમરોળ્યું છે કે શહેરો સમુદ્ર બની ગયા છે અને સોસાયટીઓ સરોવર બની ગઈ છે. જુઓ મધ્યમાં મુશળધાર વરસાદનો આ ખાસ અહેવાલ
અમદાવાદઃ ગુજરાતના કોઈ ઝોનને વરસાદની આ નવી ઈનિંગે છોડ્યો નથી. અત્ર તત્ર સર્વ વરસાદથી પાણી જ પાણી છે. મધ્ય ગુજરાતના અલગ અલગ શહેરોમાં સ્થિતિ કેવી છે તે તમારી ટીવી સ્ક્રીન સમક્ષ છે. ક્યાંક રોડ પર પાણી છે તો ક્યાંક ગામમાં પાણી ઘૂસી ગયા છે. પાવાગઢના પહાડ પરથી પાણીનો અધધ પ્રવાહ પડી રહ્યો છે તો ખેડાનું બજાર બેટ બની ગયું છે. આણંદ શહેરમાં પાણી એટલી આકાશમાંથી પડ્યું છે શહેરને સરોવર બનાવી દીધું છે તો ગોધરામાં અનેક વિસ્તારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 27મીએ રાજ્યભરની પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પાદરાના આકાશમાંથી પાણી એવું પડ્યું છે કે શહેરનો રોડ પાણી પાણી થઈ ગયો. દ્રશ્યો વડોદરા જિલ્લાના પાદરના છે, જ્યાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. નજર પહોંચે ત્યાં પાણી છે, બજારો બેટમાં ફેરવાઈ ગઈ છે, લારી-ગલ્લા પાણીમાં ગળાડૂબ થઈ ગયા છે.
મધ્યના આકાશમાંથી વરસી 'મુશળધાર આફત'
વડોદરાવાસીઓ સાવધાન, આવી રહ્યું છે પુર!
વિશ્વામિત્રીએ વટાવી ભયજનક સપાટી
મહીસાગરમાં મુશળધારથી નદીઓ ગાંડીતૂર
ગોધરામાં ગળાડૂબ પાણીમાં સમાયા ઘર-મકાન
આણંદમાં આફત બન્યો મુશળધાર મેઘો
આ પણ વાંચોઃ પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વડોદરા શહેરમાં પાણીનું સામ્રાજ્ય છે અને પાણી વચ્ચે તરતી જિંદગી બેહાલ છે. એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી પાણી એટલા ભરાયેલા છે કે રોડ શોધવો મુશ્કેલ છે. શહેરના તમામ વિસ્તારમાં એટલું પાણી ભરાયું છે કે વાહનચાલકોની અવરજવર બંધ થઈ ગઈ છે. વડોદરાની સ્થિતિ આગામી સમયમાં વધુ વિકટ બને તે નક્કી છે. ઉપરવાસમાંથી સતત વરસાદ વરસી રહ્યો છે, વિશ્વામિત્રી નદી છલકાઈ ગઈ છે, આજવા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે હવે નદી અને ડેમનું પાણી શહેરમાં ઘૂસશે અને પુર આવશે તે નક્કી છે. મ્યુનિસિપલ કમિશનરે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
મધ્યગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. અને આ વરસાદે મહીસાગરના હાલ બેહાલ કર્યા છે. ભારે વરસાદથી સંતરામપુરમાંથી વહેતી ચિબોટા નદી ગાંડીતૂર બની છે, નદીના પાણી મુખ્ય હાઈવે પર ફરી વળતાં વાહનવ્યહાર બંધ થઈ ગયો છે. નદીમાં ઘોડાપુરને કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ છે.
ગોધરાની આ નદીમાં પાણીનો એટલો પ્રવાહ વહી રહ્યો છે કે નદી કિનારે વસેલા અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં સમાઈ ગયા છે.અનેક ઘર અને દુકાનો પાણીથી લબાલબ થઈ ગઈ છે. તો જોખમ હજુ સમાયું નથી પણ સતત વધતું જઈ રહ્યું છે. થોડા સમયમાં જ કિનારે વસતાં લોકોનું સ્થળાંતરણ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વહોરા વાડને જોડતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ પૂરનો ખતરો! ગુજરાતના આ શહેરની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ
મધ્ય ગુજરાતમાં ખાસ વડોદરા માટે આગામી સમય બહુ જ ભારે રહેવાનો છે. વડોદરામાં સ્થિતિ ખુબ જ વિકટ બનવાની છે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વહેલી તકે સલામત સ્થળે ખસી જવું હિતાવહ છે. કારણ કે વિશ્વામિત્રીએ ભયજનક સપાટી વટાવી દીધી છે તો આજવા સહિતના ડેમ છલોછલ થતાં હવે પાણી શહેરમાં ઘૂસે તે નક્કી છે. ત્યારે જોવું રહ્યું કે, આગામી સમયમાં શું થાય છે?.