વલસાડઃ નવસારી જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. બપોર બાદ ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે શહેરની મુખ્ય શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા હતા. ઘૂંટણ સુધી પહોંચે એટલા પાણી ભરાવાને કારણે ટોપલા લઈ વેચવા બેસતી ગ્રામ્ય મહિલાઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મહિલાઓએ ગંદા પાણીમાં પલળતા શાકભાજીને ઉઠાવી અન્યત્ર ખસેડવાની નોબત આવી હતી. જ્યારે માર્કેટની અંદર લારીઓ લઈને બેઠેલા વેપારીઓને પણ શાકભાજી વેચવામાં હાલાકી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને શાકભાજી લેવા આવતી ગૃહિણીઓને ગંદા પાણીમાં શાકભાજી લેવુ ગમ્યુ ન હતું, પણ જીવન જરૂરિયાત હોય મજબૂરીમાં માર્કેટમાં ભરાયેલા ગંદા પાણીમાં શાકભાજી લેવું પડ્યું હતું. જ્યારે શાકભાજી વેચનારાઓએ પાલિકામાં વારંવારની રજુઆત કરવા છતાં પણ ભરાયેલા વરસાદી પાણી કાઢવાની તસ્દી લેવામાં આવી ન હતી. રોજના 35 રૂપિયા ભાડુ લેવામાં આવે છે, પણ પાલિકા સુવિધા આપવામાં આળસ કરતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. કારણ નજીકના ટાટા તળાવમાં પાણીના નિકાલ માટે ભૂંગળુ મૂળવામાં આવ્યું હતું, પણ નાનું ભૂંગળુ હોવાને કારણે થોડા અમસ્તા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા વેઠવી પડતી હોવાની હૈયા વરાળ ઠાલવી હતી.


રાજ્યમાં આજે 128 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં આજે સવારથી લઈને સાંજે છ કલાક સુધી 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના ડોલવાનમાં ચાર ઈંચ, મહિસાગરના વિરપુરમાં ચાર ઈંચ અને દ્વારકાના ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય નવસારી, જુનાગઢ, વલસાદ, કચ્છ, સહિત અનેક જિલ્લામાં વારો વરસાદ થયો છે. 


આ પણ વાંચોઃ વિશ્વાસ પ્રોજેક્ટઃ રાજ્યભરમાં 7 હજાર સીસીટીવી સ્થાપિત, અત્યાર સુધી 6200થી વધુ ગુનાઓ ઉકેલાયા


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube