ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં ચારેબાજુ મેઘમહેર થઈ રહી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે નવસારી, વલસાડમાં રેડ અલર્ટ તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સાથે જ ગુજરાતમાં હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય રાજ્યમાં શનિવારે રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતના 180 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદી માહોલ જામતા છેલ્લા 22 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં  વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડમાં મૂશળધાર વરસાદથી ઔરંગા નદી ગાંડીતૂર બની છે. કાશ્મીરનગરમાં કમરસમા પાણી ઘુસી જતાં લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા તંત્રએ સૂચના આપી છે. વલસાડ અને ખેરગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહારો ખોરવાયો છે.


વરસાદની આગાહી
રાજ્યમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં, આજથી અમદાવાદમાં પણ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગે નવસારી, વલસાડ અને દમણમાં રેડ અલર્ટ આપ્યું છે. જ્યારે સુરત, તાપી, ડાંગ અને જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.


છેલ્લા 22 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં વરસાદ
છેલ્લા 22 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં પડેલા વરસાદની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 7.5 ઈંચ વરસાદ, નવસારીના ચીખલીમાં 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડા અને નવસારીના ખેરગામમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 31 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે અને ગુજરાતના 69 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.


નોંધનીય છે કે, નવસારી સહિત ઉપરવાસના જિલ્લાઓમાં સતત બે દિવસ પડેલા ધોધમાર વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. નવસારીના મહુવા અને વાલોડ તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને કારણે લોકમાતા પૂર્ણા નદીમાં જળસપાટી વધી ગઈ છે. નવસારીના સુપા અને કુરેલ ગામને જોડતો લો લેવલ પુલ નદીમાં ઘરકાવ થઈ ગયો છે. પુલ પાણીમાં ડૂબી જતાં કુરેલ, વચ્છરવાડ સહિતના અંદાજે 10 ગામોને 13 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. બારડોલીના છીત્રા ગામે ચેકડેમ બનતા, પાણીનો ભરાવો રહેવાને કારણે સુપા-કુરેલ લો લેવલ પુલ વારેવારે નદીમાં ઘરકાવ થવાની ફરિયાદ ઉઠી છે. જોકે આજે વરસાદ નહીવત રહેતા નદીમાં મોડે મોડે પાણી ઓછરતા ગામ લોકોએ પુલની નીચે ભરાયેલા કચરા અને લાકડાને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે જ સુપા-કુરેલ વચ્ચે લો લેવલ પુલને વધારે ઉંચાઈ પર બનવવાની લોકોએ માગ કરી છે. 


મહત્વનું છે કે, ઉપરવાસમાં વરસાદના કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે ત્યારે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજક સપાટી એ વહી રહી છે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે તો સાથે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના કશ્મીર નગર વિસ્તારમાં ઘૂસ્યા છે સાથે વલસાડના બંદર ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ થયું છે વહીવટી તંત્ર દ્રારા શહેરના નીચાણવાળા વિસ્તારમાં તથા ગામડાઓમાં એલર્ટ આપવામાં આપવામાં આવ્યું છે સાથે લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે જિલ્લામાં સતત ઉપરવાસમાં પડતા વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો થઈ રહયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube