ઓગસ્ટમાં ભારેથી અતિભારે, સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ગુજરાતમાં લાવશે વરસાદ, જાણો અંબાલાલની આગાહી
ગુજરાતમાં સતત વરસાદ પડી રહ્યો છે. અમુક જગ્યાએ તો અત્યાર સુધી ભારે વરસાદ પડ્યો છે. ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદી સીઝન ચાલી રહી છે અને આજે રાત્રે 8 કલાક સુધીમાં ગુજરાતના 159 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો કચ્છના અબડાસામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. પાટણના સરસવતીમાં સાડા ત્રણ ઈંચ, પાટણમાં ત્રણ ઈંચ, બનાસકાંઠાના ભાભોરમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 27 તાલુકામાં આજે એક ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ઓગસ્ટમાં પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગસ્ટમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વલેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આશ્વલેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. 6-7 ઓગસ્ટે મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે.
ચોમાસાની ધરી સરકી ઉત્તર પૂર્વિય ભાગોમાં જશે
હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે ચોમાસાની ધરી સરકી ઉત્તર-પૂર્વિય ભાગોમાં જશે. ઓગસ્ટમાં વરસાદ પૂર્વ ભારત, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે. તેમણે કહ્યું કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવી શકે.
આ પણ વાંચોઃ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી નવા સમયે દોડશે વંદે ભારત એક્સપ્રેસ, જાણો ટાઈમટેબલ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે 3-4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થશે. નદીઓમાં પૂર પણ આવી શકે છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે.