ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે તેમજ તા. ૦૫ જુલાઈ થી ૧૦ જુલાઈ-૨૦૨૨ સુધી દ્વારકા, પોરબંદર,વલસાડમાં ભારેથી અતિભારે  વરસાદની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા.૦૪/૦૭/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૩૦,૨૦,૬૧૬ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૪૦,૫૩,૯૮૨ હેક્ટર વાવેતર થયું હતું. 


સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૪,૦૭૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૩.૧૨% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૭,૬૨૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે. 


આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર, મુખ્યમંત્રીએ અમદાવાદમાં કરાવ્યું ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું પ્રસ્થાન  


ચર્ચા દરમિયાન રાહત કમિશનરશ્રીએ NDRF અને SDRFની ટીમોને ડીપ્લોય કરવા માટે રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ ૦૯ NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. 


રાહત કમિશનરએ બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીશ્રીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.  


આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહ્યાં હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube