ચંદ્રની સપાટી અને દિવસે ડાન્સ કરાવતાં રોડ! અમદાવાદમાં વાહનો બને છે ભંગાર, તૂટે છે કમર
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ જેની ગણના ગુજરાતના સૌથી વિકસિત શહેરમાં થાય છે, જે રાજ્યની આર્થિક રાજધાની કહેવાય છે..પણ આ શહેરના રોડ જોઈ તેને શું કહેવું એ તમે જ નક્કી કરી લેજો. દિવસે ડાન્સ કરાવતાં અને રાત્રે હોસ્પિટલમાં પહોંચાડે તેવા આ રોડથી પ્રજા ત્રાહિમામ છે.
Ahmedabad HeavyRains: અમદાવાદ ધોધમાર વરસાદમાં શહેરીજનોના હાલ-બેહાલ થઈ ગયા હતા. શહેરીજનોએ તરીને એકથી બીજા એરિયામાં જવું પડ્યું હતું...હવે પાણી તો ઓસરી ગયા પરંતુ ચંદ્રની સપાટી જેવા રોડથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જુઓ અમદાવાદમાં ખખડી ગયેલા રોડનો આ અહેવાલ.
- પહેલા પાણી પછી ખખડેલા રોડથી પ્રજા પરેશાન
- AMCના પાપે ચંદ્રની સપાટીનો થઈ રહ્યો છે અહેસાસ
- કોઈની કમર તો કોઈના ભાંગી રહ્યા છે હાડકાં!
- ટેક્ષ ભરીને પણ પ્રજાને મળી રહી છે પરેશાની
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ જેની ગણના ગુજરાતના સૌથી વિકસિત શહેરમાં થાય છે, જે રાજ્યની આર્થિક રાજધાની કહેવાય છે..પણ આ શહેરના રોડ જોઈ તેને શું કહેવું એ તમે જ નક્કી કરી લેજો. દિવસે ડાન્સ કરાવતાં અને રાત્રે હોસ્પિટલમાં પહોંચાડે તેવા આ રોડથી પ્રજા ત્રાહિમામ છે. નવા નક્કોર વાહનો ભંગાર બની રહ્યા છે. જ્યારે વાહનચાલકોના હાડકા ભાગી રહ્યા છે. તમને અહીં રોડ હોય એવું લાગે છે? અહીં રોડને શોધવો મુશ્કેલ છે. કારણ કે રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે. ગોતાના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડની એવી દુર્દશા છે કે મસમોટો ટેક્ષ આપીને પ્રજાને પરેશાની મળી રહી છે.
- રોડ પર ખાડા
- રોડની દુર્દશા
- પ્રજા પરેશાન
- કમરતોડ રોડ
ગોતા વિસ્તાર સૌથી વ્યસ્ત વિસ્તાર છે. વાહન ચાલકોની સૌથી વધુ અવરજવર અહીં રહે છે. પણ આ વિસ્તારનો રોડ વાહનચાલકો માટે હોય તેમ લાગતું નથી. ક્યાંક કપચી છૂટી પડી ગઈ છે. તો ક્યાંક રોડ તુટેલો છે. આવા રોડની શહેરીજનોએ અનેક ફરિયાદો કરી છે પરંતુ કોઈ જ સમાધાન આવી રહ્યું નથી. ધોધમાર વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાંખી છે. મેઘરાજા પહેલા મુશળધાર વરસ્યા અને શહેર તરતું બની ગયું. હવે આ રોડ જુઓ...રોડના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે જોઈ શકાય છે...જમાલપુરનો આ બ્રિજ સાવ બિસ્માર થઈ ગયો છે. હજારો વાહનો જ્યાંથી પસાર થાય છે તે મોટી હોનારત સર્જી શકે છે.
- ઘુમામાં ચંદ્રની સપાટી!
- ખાડાથી ત્રસ્ત પ્રજા
- કામગીરી કાગળ પર
આ અમદાવાદનો ઘુમા વિસ્તાર છે. એ વિસ્તાર જ્યાં અનેક મોટા લોકો રહે છે. પણ બોપલથી ઘુમા જતો માર્ગ જુઓ...રોડ પર ખાડા જ ખાડા છે. એવા ખાડા છે કે તે કોઈનો પણ જીવ લઈ શકે છે. અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ ટેક્ષ સરકારને આપે છે. સરકારે શહેરનો વિકાસ પણ કર્યો છે પરંતુ વિકાસ ગુણવત્તા વગરનો છે. ભ્રષ્ટાચારની સ્પષ્ટ ગંધ તેમાં આવતી રહે છે. કારણ કે શહેરમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ. ત્યારપછી હવે ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે. ત્યારે પ્રજાને પરેશાની સિવાય કંઈ મળતું હોય તેમ લાગતું નથી.