હવે, બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ અને ધીરૂભાઈ સરવૈયાએ પણ એવોર્ડ કર્યો પરત
અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલો `રત્નાકર` એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે એવોર્ડ પરત આપતા કહ્યું કે, સાધુ-સંતોનું કામ સમાજને જોડવાનું હોય છે. ધર્મનું કામ લોકોને જોડવાનું હોય છે. કલાકારોને કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિનો બાધ હોતો નથી. અમે કલાકારોએ દરેક ધર્મ, સંપ્રદાય માટે કાર્યક્રમ કર્યા છે અને અમે કોઈ ભેદભાવ રાખતા નથી.
રાજકોટ: મોરારી બાપુ (Morari Bapu) અને સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan Sact) વિવાદમાં કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, માયાભાઇ આહિર વગેરે કલાકારો દ્વારા એવોર્ડ(Award) પરત આપી દેવાયા બાદ હવે લોકસંગીતના કલાકાર હેમંત ચૌહાણ, બિહારી હેમુ ગઢવી અને હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાએ પણ તેમને મળેલો 'રત્નાકર એવોર્ડ' પરત કર્યો છે. આ સાથે જ તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલા નિવેદન અંગે દુખ પણ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે. અત્યાર સુધી 17 કલાકાર અને એક કટાર લેખક જય વસાવડા પોતાનો એવોર્ડ પરત કરી ચૂક્યા છે. હેમંત ચૌહાણે આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ કરીને એવોર્ડ પરત આપવા અંગે સવિસ્તાર જણાવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના નિવેદનથી કલાકારોમાં રોષ
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસ્વરૂપ સ્વામીએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકસંગીતના કલાકારો દારૂ પીને કાર્યક્રમ કરે છે. આ નિવેદનથી સૌરાષ્ટ્રભરના કલાકારોમાં રોષ વ્યાપી ગયો હતો. સ્વામીનારાયણ સંતના નિવેદનના વિરોધમાં કલાકારોએ આ સંપ્રદાય દ્વારા તેમને આપવામાં આવેલા એવોર્ડ પરત આપવાનું શરૂ કર્યું હતું.
કોણે-કોણે એવોર્ડ પરત આપ્યો
ઓસમાણ મીર, હેમંત ચૌહાણ, માયાભાઇ આહિર, જય વસાવડા, અંકિત ત્રિવેદી, દેવરાજભાઇ ગઢવી, બિહારી હેમુ ગઢવી, પ્રણવભાઇ પંડ્યા, સાંઇરામ દવે, કિર્તીદાનભાઇ ગઢવી, ભિખુદાનભાઇ ગઢવી, જીજ્ઞેશભાઇ કવિરાજ, હરેશદાનભાઇ, લક્ષ્મણભાઇ બારોટ, અનુભા ગઢવી અને કવિ દાદ બાપુ.
કિર્તીદાન ગઢવીઃ મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતો વિવાદ પૂરો થઇ ગયો હોવા છતાં ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે. કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે, ત્યારે કલાકારો માટે એક હાથ સન્માન કરે છે અને એક હાથે આવા અપમાનજનક શબ્દો કહે છે. એ બિલકુલ મને અને કોઇ પણ કલાકારને સ્વીકાર્ય નથી. જેટલા પ્રેમથી એવોર્ડ આપવામાં આવ્યો હતો તેટલા જ પ્રેમથી એવોર્ડ પરત કરીએ છીએ.