ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ઉભી થયેલી સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઇ પાવર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં જો વરસાદ વધારે ખેંચાય તો રાજ્યમાં કૃત્રિમ વરસાદ કરવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વિજળી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જેના કારણે સરકાર પર માસિક 250 કરોડનું ભારણ પડશે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી 10 કલાક વરસાદ આપવામાં આવશે. જે વિસ્તારમાં પાણીની સુવિધા છે ત્યાં વિજળી આપવામાં આવશે. સીએમના નિવાસ્થાને યોજાયેલી આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કૃષિ પ્રધાન, ઉર્જા પ્રધાન, મહેસુલ પ્રધાન સહિત મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવો હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃત્રિમ વરસાદ અંગે ચર્ચા
રાજ્યમાં જો હજુ વરસાદ ખેંચાયતો સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે. તે માટે મુખ્યપ્રધાને યોજેલી બેઠકમાં કૃત્રિમ વરસાદ કરવાની દિશામાં સરકાર વિચારી રહી છે. 


કચ્છમાં સૌથી ખરાબ સ્થિતિ
ચાલુ સિઝનમાં કચ્છમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં પાણીની સમસ્યા રહેવાની શક્યતા રહેલી છે. જેને પગલે મુખ્યપ્રધાન રૂપાણીએ કચ્છના ટપ્પર ડેમને તાત્કાલિક અસરથી નર્મદાના નીરથી ભરવા માટે આદેશ આપ્યો છે. ટપ્પર ડેમમાં નર્મદાનું 500 એમસીએફટી પાણી ભરવામાં આવશે.


44 તાલુકામાં ઓછો વરસાદ
રાજ્યના કુલ 44 તાલુકાઓમાં 125 મીમી કરતા ઓછો વરસાદ થયો છે. આ વિસ્તારોમાં ઉભી થયેલી સ્થિતિ અંગે મુખ્યપ્રધાન હાઈ પાવર કમિટીની બેઠકમાં ચર્ચા કરી હતી. વરસાદ ખેંચાવાને પગલે રાજ્યમાં જે સ્થિતિ ઊભી થઇ છે તેની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં નર્મદા નિગમ, કૃષિ, પાણી પુરવઠો અને હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી હતી.