નવસારીઃ શહેર સહિત જિલ્લાના કાંઠા વિસ્તારમાં વરસાદે બે દિવસના વિરામ બાદ ફરી એન્ટ્રી મારી છે.  જેના કારણે અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અંબિકા નદીમાં પૂર આવતા વાંસદાનું વાટી ગામ તો મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તો દરિયો પણ ગાંડોતૂર બન્યો જેથી લોકોને દરિયાથી દૂર રહેવા સૂચના અપાઈ છે.


સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ ખાબકતા નવસારીનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. હાઈટાઈડને જોવા સહેલાણીઓ ત્યાં પહોંચ્યા હતા અને ભીંજાવાની મજા માણી હતી. તો હાઈટાઈડે ગામ લોકોની મજા પણ બગાડી છે. દરિયામાં હાઈટાઈડની સ્થિતિ ઉદભવતા કિનારે ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે. દરિયા કાંઠે એ હદે મોજા ઉછળી રહ્યા છે કે સુરક્ષા દિવાલ પર ઉછળીને પાણી જઈ રહ્યું છે. દરિયાના આ પાણીએ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફેરવી દીધું છે. માછીવાડ ગામના ખેતરોમાં પાણી ન ઘૂસે તે માટે માટીનો જે પાળો કરવામાં આવ્યો હતો તે પાળો પણ દરિયાના પાણીના પ્રવાહથી તૂટી ગયો છે. જેથી દરિયાનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે.