રસ પડે તેવા સમાચાર; અમદાવાદના ઈતિહાસમાં થયો સૌથી ઉંચા ભાવનો સોદો! અહીં બનશે મુંબઈ જેવી બિલ્ડિંગ
વલ્લભ સદન પાછળ આવેલા પ્લોટના વેચાણથી AMC ને રૂપિયા 156 કરોડ કરતા વધુની રકમ મળશે. પ્રતિ ચોરસ મીટર 3.52 લાખ રૂપિયાનો ભાવ આપી આ પ્લોટ ખરીદાયો હોવાની માહિતી મળી રહી છે.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ શહેર અને સમગ્ર ગુજરાત માટે લેન્ડ માર્ક બનેલા સાબરમતી રિવરફ્રન્ટ પર રહેલી જમીન માટે કોઇ ખરીદાર મળતો નથી, આ કહેવું હવે ખોટું ગણાશે. કારણ કે આખરે સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રથમ પ્લોટનું વેચાણ થઈ ગયું છે. મુંબઈ ઈ-સીટી રિયલ એસ્ટેટ કંપનીએ 4420 ચોરસ મીટરનો પ્લોટ રિવરફ્રન્ટ પશ્ચિમ કિનારેનો ખરીદ્યો છે.
વલ્લભ સદન પાછળ આવેલા પ્લોટના વેચાણથી AMC ને રૂપિયા 156 કરોડ કરતા વધુની રકમ મળશે. પ્રતિ ચોરસ મીટર 3.52 લાખ રૂપિયાનો ભાવ આપી આ પ્લોટ ખરીદાયો હોવાની માહિતી મળી રહી છે. આગામી ચાર વર્ષમાં કોમર્શિયલ અને રેસિડેન્ટ બિલ્ડીંગ બનશે. 66 મીટરની મહત્તમ ઊંચાઈ ધરાવી બિલ્ડીંગ અમદાવાદની ઓળખ બનશે, એટલે અમદાવાદના ઈતિહાસમાં આ બિલ્ડિંગ સૌથી ઉંચી હશે.
તમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ જ્યારે તૈયાર કરાયો હતો. તે સમયે નક્કી કરાયું હતું કે રિવરફ્રન્ટ આસપાસ રહેલી જમીન ખાનગી કંપનીઓને વેચવામાં આવશે. અહીં ગગનચુંબી ઇમારતો બનશે અને સાબરમતી રિવરફ્રન્ટનો નજારો બદલાશે. પરંતુ કેટલાયે વર્ષ વિતી ગયા હોવા છતાં ગગનચુંબી ઇમારતો બનવાનું તો દૂરની વાતો છે. પરંતુ કોઈ પ્લોટ વેચાયા નહોતા. પરંતુ આ મહેણું હવે ભાંગી ગયું છે.