હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર ભયાવહ દ્રશ્યો, એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર...
- સિવિલના ક્વાર્ટસથી મેડિકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી
- સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે કોઈ માહિતી લખવામાં નથી આવી
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાતના મોટા શહેરો બાદ હવે અન્ય જિલ્લાઓ અને ગામડાઓની પરિસ્થિતિ બગડી રહી છે. અહી સુવિધાઓના અભાવે કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતના શહેરો પણ તેમાંથી બાકાત નથી. હિંમતનગર સિવિલમાં સતત 15 માં દિવસે પણ વાહનોની લાંબી લાઈનો દેખાઈ રહી છે. 15 થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ અને લગભગ 55 થી વધુ ખાનગી વાહનોનો કાફલો સિવિલ હોસ્પિટલની બહાર જોવા મળ્યો છે.
જમીન પર અને ખાટલા પર દર્દીઓ જોવા મળ્યાં
સિવિલના ક્વાર્ટસથી મેડિકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી લાંબી લાઈનો લાગી છે. કોરોના સામે રક્ષણ મેળવવા લાઈનમાં ઉભા રહ્યા છે. સિવિલમાં બેડના અભાવે 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોમાં દર્દીઓ આવી રહ્યાં છે. એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર એમ બે દર્દીઓ સારવાર હેઠળ જોવા મળી રહ્યાં છે.
કેટલા બેડ ઉપલબ્ધ છે તેની કોઈ માહિતી નથી
તો બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે કોઈ માહિતી લખવામાં નથી આવી. સિવિલમાં હાલ કેટલા બેડ ઉપલબ્ધ છે, કેટલા વેન્ટિલેટર બેડ છે, કેટલા ઓક્સિજન બેડ અને કેટલા સાદા બેડ અને કુલ કેટલા બેડ છે તેવી કોઈ માહિતી લખવામાં નથી આવી. અંદાજે 24 થી 36 કલાક સુધી વેઈટિંગમાં દર્દીઓને રાહ જોવી પડી રહી છે. તંત્ર પાસેથી ઓક્સિજન, બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન સહિત જરૂરિયાતવાળી કોઈ માહિતી દર્દીઓ માટે કે તેમના પરિજનોને મળી નથી રહી. ત્યારે હિંમતનગરમાં વાસ્તવિકતા અલગ અને કામગીરીના આંકડાઓ વચ્ચે મોટા તફાવતને લઈને સિવિલ બહાર દર્દીઓની લાઈન જોવા મળી રહી છે.