હિંમતનગરમાં ફરીથી હિંસા ભડકી, વણઝારા વાસમાં ટોળાંઓ સામસામે આવી જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડયા
હિંમતનગરના વણઝારા વાસમાં આવેલ હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ઝી ન્યૂઝ/સાબરકાંઠા: ગુજરાતમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળવાની કોશિશ કરી રહ્યા છે. રામનવમીના દિવસે રાજ્યના ત્રણ જિલ્લા સાબરકાંઠા, આણંજ અને દ્વારકામાં કોમી વૈમનસ્ય ડહોળવાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. હિમતનગરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જ્યાં મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. હિંમતનગરમાં પોલીસ વિભાગનો વિવિધ કાફલો ખડેપગે રખાયો હતો. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણઝારા વાસમાં ફરી હોબાળો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.
સાબરકાઠા જિલ્લાના હિંમતનગર વિસ્તારમાં મોડીરાત્રે હોબાળો થયો હોવાની માહિતી મળતા પોલીસ વિભાગમાં એક્શનમાં આવી ગયો હતો. પોલીસને જાણ થતાં ઉચ્ચ કાફલા સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં વણઝારા વાસમાં લોકોના ટોળાઓને વિખેરવા પોલીસને ટિયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે વણઝારા વાસમાં ટોળાઓ સામસામે આવી જતાં તેમને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડાયા હતા.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, ગત મોડી રાત્રે અચાનક પથ્થરમારાનો બનાવ નોંધાયો હતો. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણજારા વાસ તેમજ હસનનગરમાં તોફાન ફાટી નીકળ્યું હતું. જેમાં બે જૂથ સામસામે આવી જતા સ્થિતિ વણસી હતી. જેમાં અસામાજિક તત્વોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે RPF સહિત પોલીસની ટીમ ગોઠવાઈ ગઈ હતી. ટોળાઓને છૂટા પાડવા માટે પોલીસે 7થી વધુ ટિયર ગેસના સેલ છોડી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. હાલ હિંમતનગરમાં પરિસ્થિતિ કાબુમાં છે. બીજી બાજુ પોલીસે 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
એટલું જ નહીં, અસામાજિક તત્વોએ વણઝારા વાસમાં આવેલ હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા સેવી છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી.
ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંમતનગરમાં હિંસા ભડકી હતી.
વણઝારા વાસના સ્થાનિકો પોતાનો માલ સામાન લઈને થઈ રહ્યા શીફ્ટ
સાબરકાંઠા હિંમતનગરના વણઝારા વાસના લોકો પલાયન કરી રહ્યા છે. સતત બે - ત્રણ દિવસથી વારંવાર થતા હુમલાઓથી લોકોમાં ભયનો માહોલ છે. જેના કારણે લોકો પોતાના માલ સામાન લઈને ઘર છોડી રહ્યા છે. બાળકો અને પરિવારને લઈને લોકો અન્ય જગ્યાએ શિફ્કટ થઈ રહ્યા છે. વણઝારા વાસના સાત થી આઠ ઘરમાં રહેતા પરિવારનો ઘર છોડીને જવા માટે મજબૂર થયા છે. મહત્વનું છે કે, હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન જૂથ અથડામણ અને પથ્થરમારો થયો હતો, જે બાદ ગઈકાલે દિવસભર શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો, જો કે રાત્રે ફરી અથડામણ થઈ હતી અને હાલ હિંમતનગરમાં પરિસ્થિતિ કાબુમાં છે..પરંતુ લોકોને ગમે ત્યારે તેમના પર હુમલો થશે એવો ડર સતાવી રહ્યો છે અને એટલે જ પલાયન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube