• 2001 માત્ર 15 થી 20 ચર્ચ હતા. તેના બદલે અત્યારે 20 વર્ષ બાદ ભાજપની સરકાર હોવા છતાં પણ અત્યારે ધરમપુર અને કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં 220 વધુ ચર્ચ બંધાઈ ગયા છે


ઉમેશ પટેલ/વલસાડ :રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી હોવાના સનસનીખેજ આક્ષેપો ઉઠી રહ્યાં છે. વલસાડ જિલ્લા સહકાર ભારતી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે લેખિત રજૂઆત કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. જ્યાં છેલ્લા 20 વર્ષથી વટાળ પ્રવૃત્તિને વેગ પકડતાં આજે આ વિસ્તારના લગભગ તમામ ગામોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચર્ચ બાંધી દેવામાં આવ્યા છે. જેને કારણે આ વિસ્તારમાં તણાવ પણ પરિસ્થિતિ ઊભી થઇ રહ્યો હોવાના આક્ષેપો કર્યા છે. હિન્દુ સંગઠનોએ સરકાર સમક્ષ જિલ્લામાં ચાલી રહેલી ગેરકાયદેસર વટાળ પ્રવૃત્તિ પર રોક લગાવી આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. આ પહાડી વિસ્તારમાં 95 ટકાથી વધુ વસ્તી ગરીબ અને આદિવાસી સમાજની છે. આ વિસ્તારમાં હજુ વિકાસની મુખ્યધારાથી વંચિત છે. આથી શિક્ષણ અને વિકાસની અન્ય પાયાની સુવિધાઓ ઉણપ જોવા મળી રહી છે. બસ આ જ પરિસ્થિતિનો લાભ લઈ છેલ્લા કેટલાક વર્ષોથી આ અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓએ પગપેસારો કર્યો છે. પરિણામે છેલ્લા 20 વર્ષથી આ આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ વધી રહી છે. પૂર જોશમાં વટાળ પ્રવૃત્તિએ માઝા મૂકતા હવે આ વિસ્તારના તણાવ પૂર્ણ વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. આથી વધતી જતી વટાળપ્રવૃત્તિ પર રોક લગાવવા માટે વલસાડ જિલ્લા સહકાર ભારતીના પ્રમુખ વિજય ગોયલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લેખિત રજૂઆત કરી છે.


કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં 2001 માત્ર 15 થી 20 ચર્ચ હતા. તેના બદલે અત્યારે 20 વર્ષ બાદ ભાજપની સરકાર હોવા છતાં પણ અત્યારે ધરમપુર અને કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં 220 વધુ ચર્ચ બંધાઈ ગયા હોવાનો સહકાર ભારતીના પ્રમુખ દાવો કરી આક્ષેપ કરી રહ્યા છે. આથી આ વિસ્તારમાં માઝા મૂકી રહેલી વટાળ પ્રવૃત્તિ પર લગામ લગાવવા માટે સહકાર ભારતી દ્વારા સરકારને રજૂઆતો કરી છે. ખ્રિસ્તી મિશનરી દ્વારા આ વિસ્તારમાં રચાઈ  રહેલા ષડયંત્ર અંગે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.


મહત્વપૂર્ણ છે કે, જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી અને પછાત વિસ્તાર છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આ વિસ્તારમાં શિક્ષણનો અભાવ અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે. આથી આ વિસ્તારના ભોળા આદિવાસી લોકોની અજ્ઞાનતા અને મજબૂરીનો લાભ લઇ છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી મિશનરીઓએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે. પરિણામે છેલ્લા 20 વર્ષમા તાલુકાના લગભગ તમામ ગામોમાં પાકા ચર્ચ બંધાઈ ગયા છે. જોકે નિયમોને નેવે મૂકી અને બની ગયેલા આવા ચર્ચો જે જમીન પર બનાવવામાં આવ્યા છે તેના અંગે પણ તપાસ કરવામાં આવે તેવી વલસાડ જિલ્લા સહકાર ભારતી અને હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યાં છે. સાથે જ આ આદિવાસી વિસ્તારોમાં બનતા અનેક ચર્ચ વન વિભાગની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી બાંધવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આથી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જે વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મની વસ્તી નથી એવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ચર્ચોને દૂર કરી, જે આદિવાસી ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે તેવા વટલાયેલા ખ્રિસ્તીઓને ઓળખી અને તેમના દ્વારા લેવામાં આવી રહેલા હિન્દુ આદિવાસી તરીકેના સરકારી લાભો પણ બંધ કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનો માગ  કરી રહ્યા છે.


વલસાડ જિલ્લા સહકાર ભારતી સહિત સ્વયંસેવક સંઘના ધર્મ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય હિન્દુ સંગઠનો પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને વટાળપ્રવૃત્તિને રોક લગાવવા પર રોક લગાવવાની માંગ સાથે સમાંતર જનજાગૃતિ અભિયાન અને સેવાકીય પ્રવૃતિઓનું અભિયાન ચલાવી રહ્યા છે. જોકે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ગરીબ આદિવાસીઓને ભરમાવી તેમનું બ્રેઇન વોશ કરી અને ખ્રિસ્તી મિશનરીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાઓ કરાવવામાં આવી રહ્યા હોવાના પણ ગંભીર આક્ષેપો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ અને સહકાર ભારતી દ્વારા સરકારને કરવાની કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં કરવામાં આવ્યા છે. આમ આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલી વટાળ પ્રવૃત્તિને કારણે આદિવાસી સંસ્કૃતિને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ વિસ્તારની સામાજિક સૌહાર્દને પણ અસર થઇ રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને સમગ્ર દેશમાં ધર્માંતરણનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.


છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર રાજ્ય અને દેશમાં ધર્માંતરણ અને વટાળપ્રવૃત્તિને કારણે અનેક સમસ્યાઓ વધી રહી છે. ત્યારે રાજ્યના અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં મિશનરીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વટાળ પ્રવૃત્તિને સરકારને સરકાર ગંભીરતાથી લઇ તેના પર રોક લગાવવામાં આવે તે ખૂબ જરૂરી છે.