ગુજરાતનું અમદાવાદ શહેર ઐતિહાસિક સ્થાપકોની સાથે સાથે તેના પોળના સાંસ્કૃતિક વારસા માટે પણ જાણીતું છે. ભારતના વિવિધ સાંસ્કૃતિક ધરોહરો ધરાવતા શહેરોમાં અમદાવાદની પણ ગણતરી થાય છે. અમદાવાદની સ્થાપના જોઈએ તો 15મી શતાબ્દીમાં ઈ.સ. 1411માં 27મી ફેબ્રુઆરીએ કરવામાં આવી. 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમિયાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો હતો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના થઈ. ગુજરાત સલ્તનત બની અને ત્યારબાદ સુલતાન અહમદશાહે પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરીને પોતાના નામ પરથી અહમદાબાદ રાખ્યું પણ કાળક્રમે અપભ્રંશ થતા તે અમદાવાદના નામે ઓળખાવા લાગ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ વિશે એવી  દંતકથા પણ પ્રચલિત છે કે જબ કૂત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહર બસાયા.....દંતકથા મુજબ અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીના કિનારે ટહેલી રહ્યા હતા ત્યારે એક સસલાને કૂતરાને પીછો કરતા જોયું. તે વખતે તેઓ રાજધાની માટે સ્થળની શોધમાં હતાં અને આ બહાદૂરીથી તેઓ પ્રભાવિત થયા અને આ વિસ્તાર નક્કી કર્યો. 



પોળોનું આગવું મહત્વ
અમદાવાદ એ ગુજરાતનું અતિ મહત્વનું શહેર છે. પાટનગર ગાંધીનગર હોવા છતાં તેનું અદકેરું મહત્વ છે. ત્યારે અમદાવાદની પોળો પણ તેમાં મહત્વનો  ભાગ ભજવે છે. અમદાવાદની પોળો એક મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. અહીં તમને અનેક ઐતિહાસિક ઈમારતો અને ધરોહર જોવા મળશે. એવું મનાય છે કે અમદાવાદ શહેરની રચના સાથે જ અમદાવાદની પોળોની પણ રચના થઈ. આમ જોઈએ તો અમદાવાદની સાચી ઓળખ પોળ કહી શકાય. પોળોના પરિચય વગર અમદાવાદની ઓળખ અધૂરી ગણી શકાય. આ પોળોની સંસ્કૃતિએ જ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન અપાવવામાં મદદ કરી છે. 



પોળ શબ્દ જોઈએ તો આ શબ્દ મૂળ તો સંસ્કૃત શબ્દ પ્રતોલી પરથી ઉતરી આવ્યો છે. સોલંકી યુગમાં પોળોને પાડા તરીકે ઓળખવામાં આવતી હોવાનું કહેવાય છે. પાટણમાં પોળોના નામ સાથે પાડા શબ્દ જોડાયેલો છે. જેમ કે ઢીલી ખીચડીનો પાડો. જમનો પાડો. સુલ્તાન અહમદશાહે જ્યારે અમદાવાદ શહેરની સ્થાપના કરી તે સમયે રહેણાંક વિસ્તાર માટે જે પોળનું મુહૂર્ત કર્યું તે મુહૂર્ત પોળ કહેવામાં આવે છે. આજે પણ આ પોળ તમને માણેકચોકમાં જોવા મળી જશે. શહેર કોટડા વિસ્તારમાં આવેલા આ પોળના તાણાવાણામાં જો સૌથી મોટી પોળ હોય તો તે માંડવીની પોળ છે. આ માંડવીને પોળ શહેરની મધ્યમાં આવેલી છે અને માતાજીના નવરાત્ર વખતે ત્યાં માંડવી મૂકાતી હોવાથી તેનું નામ માંડવીની પોળ પડ્યું હોવાનું પણ કહેવાય છે. 


કેટલીક પોળના નામ
અમદવાદની કેટલીક  પોળોના નામ તમને જણાવીશું. આમ તો કહેવાય છે કે અમદાવાદમાં 200થી વધુ પોળ છે. કેટલીક પોળના નામ તમે ખાસ જાણો...
બઉઆની પોળ, ભદવા પોળ (ભદો/બદો પોળ), ભાઉની પોળ, ડબગરવાડ, દેયડીની પોળ, ફાફડાની પોળ, ફતાસા પોળ, ગોટીની શેરી, હાથીખાના, જળકુકડીની પોળ, જાતીની પોળ, જાનીની પોળ, કડવા શેરી, કાકા બળીયાની પોળ, કડવા પોળ, કચરીયાની પોળ, કાળુશીની પોળ, દોશીવાડાની પોળ, ખિસકોલીની પોળ, ખીજડાની પોળ, ખીચડાની પોળ, લાંબા પાડાની પોળ, લીંબુ પોળ, મરચી પોળ, મકેરી વાડ, મામાની પોળ, માળીની પોળ, મોધવાડાની પોળ, મોટી રંગીલા પોળ, નાડાવાડાની પોળ, નગીના પોળ, મોટી વાસણશેરી, નાની રંગીલા પોળ, નાગુ માસ્તરનો ડેલો, પાડા પોળ, પાડી પોળ, પંડિતજીની પોળ, પતાસાની પોળ, ટીંબા પોળ, ટેમલાની પોળ, વાઘણ પોળ, વીંછીની પોળ, ટોકરશાની પોળ, ઝૂંપડીની પોળ, ઝુમખીની પોળ, હવાડાની પોળ વગેરે....



સૌથી મોટી  માંડવીની પોળ
પોળોનો ઈતિહાસ જોઈએ તો માંડવીની પોળ એ અમદાવાદની સૌથી જૂની અને મોટી પોળ પણ છે.  પોળમાં પણ ઘણી પોળો છે અને આશરે 25થી વધુ પોળો આ માંડવીની પોળની અંદર છે. અહીં હાલ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારનું વાતાવરણ તમને જોવા મળી રહેશે. પરંતુ કોમર્શિયલ હબ બની જવાના કારણે હવે તે વેપારી પોળ વધુ લાગે છે. 


પોળોનું કલ્ચર
અમદાવાદની પોળો તેના સાંસ્કૃતિક મહત્વની સાથે સાથે લોકોમાં પ્રેમ અને સદભાવ વિશે પણ ખુબ જાણીતી છે. પોળોની રચના તમે જુઓ તો ઘરો એકદમ નજીક નજીક હોય છે. ઘણી ખરી પોળોમાં એક જ જ્ઞાતિ અને ધર્મના લોકો એકસાથે રહેતા હોવાથી લોકો વચ્ચે પરસ્પર પ્રેમભર્યા વ્યવહાર પણ જોવા મળે છે. જો કે બીજી જાતિ કે જ્ઞાતિના કે ધર્મના લોકો પણ એકસાથે રહેતા હોય ત્યાં અરસ્પર પ્રેમ અને સદભાવનું વાતાવરણ પણ જોવા મળે છે. એકબીજાના રીતિ  રિવાજો, પરંપરાઓ, સાસ્કૃતિક મહત્વ ધ્યાનમાં રખાય છે અને ઉત્સવોની ઉલ્લાસ સાથે ઉજવણી થાય છે. પોળોમાં રહેવાની તો મજા જ કઈક અલગ છે. અમદાવાદની આ પોળોની સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે હેરિટેજ વોકની પણ શરૂઆત થયેલી છે. આ રીતે પોળોના ઈતિહાસના આજની પેઢી સુધી પહોંચાડવાના પ્રયત્નો થાય છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube