અમદાવાદ: ગાંધીનગરથી 13 કિમીના અંતરે આવેલ રૂપાલમાં વરદાયિની માતાજી સૃષ્ટિના આરંભથી રૂપાલ ગામમાં બિરાજમાન છે. નવદુર્ગા પોતાના નવ સ્વરૂપ પૈકિ દ્વિતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની શ્રી વરદાયિની માતાજીના સ્વરૂપે સ્વયં અહીં બિરાજમાન છે. સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું. આથી બ્રહ્માજી શ્રી વરદાયીની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરુપે શરણે આવેલા બ્રહમાંજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમી માટે નિવાસ કર્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસો સુદ 9ના દિવસે ગામમાં શ્રદ્ધાળુંઓનો મહાસાગર ઉમટે છે. 33 દિવડાઓની આરતી સાથે મોડી રાત્રે પલ્લી યાત્રાની શરૂઆત થાય છે. સવારે પલ્લી માતાજીના મદિરની સામે બનાવેલા પલ્લી મંદિરમાં આવે છે. પલ્લી ઉપર લોકો ધીનો અભિષેક કરે છે.

ઐતિહાસિક માહાત્મ્ય: દ્વાપર યુગમાં કૌરવ સામે જુગારમાં હારી જતા, પાંડવોને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસમાં જવાનું હતું. ધર્મરાજા સત્યવાદી હોવાથી તેઓ માટે ગુપ્તવાસ અત્યંત કઠિન હતો. ત્યારે પાંડવોએ ધૌમ્ય ઋષિના આદેશથી દધિયી ઋષિના આશ્રમથી છ કોશ દૂર રૌપ્ય ક્ષેત્રમાં બિરાજમાન શ્રી વરદાયિની માતાજીના શરણે જઈ પુજા આશીર્વાદ માગ્યા.

માતાજીએ પ્રસન્ન થઈ ત્યા આવેલા ખીજડાના ઝાડ ઉપર પોતાના અસ્ત્રો-શસ્ત્રો સંતાડી પોતે આપેલા વસ્ત્રો ધારણ કતરી વિરાટનગર (હાલનું ધોળકા)માં ગુપ્તવાસ માટે જવાનું કહ્યું. મહાભારતના યુદ્ધમાં વિજય બાદ પાંડવો અને શ્રી કૃષ્ણ અહીં ચતુરંગી સેના સાથે આવ્યા હતા. માતાજીની સોનાની પલ્લી બનાવી, તેના ઉપર પાંચ કુંડાની સ્થાપના કરી. ત્યાર બાદ ગામમાં પલ્લી યાત્રા કાઢી. ત્યારથી આ પલ્લી-યાત્રાની પરંપરા આજ દિન સુધી અવિરતપણે ચાલુ છે.

આ એક મંદિર પૌરાણિક છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહ પર માતાજીની કૃપા વરસતા તેઓએ રૂપાલ આવી માતાજીનું નવેસરથી મંદિર બનાવી તેમાં માતાજીની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી.. હાલનું મંદિર જીર્ણ થઈ જતા માતાજીની મૂર્તી અને શિવલીંગને યથાવત રાખી 15 કરોડના ખર્ચે 101 ફૂટના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક હજાર વર્ષ સુધી મંદિરને કોઇ પણ પ્રકારાનું નુકશાન ન થાય તે માટે રાજસ્થાની પથ્થરો મંગાવી મંદિર બંધાઇ રહ્યું છે. નવા મંદિરના બાંધકામમાં હજુ બે વર્ષનો સમય લાગે તેવી શક્યતાઓ છે.