• માલેતુજાર પરિવારના નબીરાઓએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર મોતને દસ્તક આપી 

  • નબીરાઓએ રેસ કરવાના શોખમાં શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો 


આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદની સવાર ફરી એકવાર અકસ્માતથી શરૂ થઈ છે. અમદાવાદમાં મોડી રાત્રે સનસનાટીભર્યો બનાવ બન્યો છે. શિવરંજનીના બીમાનગર પાસે પોતાના ઝૂપડામાં સૂઈ રહેલા એક જ પરિવારના લોકો પર કાર ચઢી ગઈ હતી. જેમાં એકનુ મોત નિપજ્યુ છે, તો 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક યુવકોની રાત્રિ કરફ્યૂમાં ખાલી રોડ પર કાર ચલાવવાની મસ્તીએ ગરીબ લોકોનો જીવ લીધો છે. માલેતુજાર પરિવારના નબીરાઓએ ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર મોતને દસ્તક આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિંદ્રાધીન લોકો પર કાર ફરી વળી 


શિવરંજનીના બીમાનગર નજીક હિટ એન્ડ રન ઝૂંપડામાં જમી રહેલા લોકો પર કાર ચઢાવવામાં આવી હતી. ફૂલસ્પીડમાં આવી રહેલી કારે ઝૂપડામા સૂઈ રહેલા એક જ પરિવારના લોકોને કચડ્યા હતા. કારના તોતિંગ પૈડા નિંદ્રાધીન લોકો પર ફરી વળતા એકનુ મોત નિપજ્યુ છે. તો સાથે 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્યા છે. આ અકસ્માતા 45 વર્ષીય શતુબેનનુ મોત નિપજ્યુ છે. તો 35 વર્ષીય બાબુભાઈ ભાભોર, જેતન ભાભોર, ચેતન અને સુરેખા નામના લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોમાં પરિવારના બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. મોડી રાતે આ ઘટના બની હતી. જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અને કાર ચાલકને પકડવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં હિટ એન્ડ રન : ઝૂપડામાં સૂઈ રહેલા લોકો પર કાર ફરી વળી, એકનું મોત



બે કારમાં સવાર યુવકોએ રેસ લગાવી હતી


GJ01RU8964  નંબરની આઈ 20 કારે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતને નજરે જોનાર એક શખ્સે કહ્યું કે, આ કારે અન્ય એક કાર સાથે રેસ લગાવી હતી. ઇસ્કોન તરફથી ઓવર સ્પીડમાં કાર આવી હતી. જેણે એક જ પરિવારના 5 સભ્યો, જેઓ ફૂટપાથ પર બાંધેલા ઝૂંપડામાં જમી રહ્યા હતા તેમને અડફેટે લીધા હતા. ઘટના બાદ તરત જ કારમાંથી 4 યુવાનો જેટલા યુવાનો નીચે ઉતર્યા હતા, તેઓ ત્યાંથી તરત ભાગી ગયા હતા. તમામ યુવકો 22 થી 25 વર્ષના હતા. 



અકસ્માત સર્જનાર યુવકનો પરિવાર ફરાર 


તો બીજી તરફ, આ હિટ એન્ડ રન કેસમાં પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. ટ્રાફિક પોલીસે આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે. જેમાં GJ01RU8964  કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું છે. GJ01RU8964 ગાડીનું સરનામું મીઠાખળી ખાતેના ન્યુ ગિરિરાજ ફલેટનું હોવાનુ ખૂલ્યુ છે. પંરતુ ટ્રાફિક પોલીસ વહેલી સવારે ઘર પર પહોંચી તો ઘર પર કોઈ ન મળ્યું. તેથી અકસ્માત સર્જનાર યુવકોનો પરિવાર ત્યાંથી ફરાર થઈ ગયો હોવાનુ સામે આવ્યુ છે. 



કરફ્યૂમાં કાર નીકળી તો પોલીસ શુ કરતી હતી
આ અકસ્માતથી અમદાવાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો થાય છે. રાત્રિ કરફ્યૂના સમયમાં પોલીસ દ્વારા દરેક નાકા પર પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે ફુલસ્પીડમાં આ કાર ઈસ્કોનથી શિવરંજની તરફ આવી ત્યારે પેટ્રોલિંગ કરતી પોલીસ શુ કરતી હતી. કરફ્યૂના સમયે યુવકો ગાડી લઈને નીકળ્યા, છતા તેમને રોકાયા નથી. આ ઘટના બની ત્યારે પોલીસ ક્યાં હતી. ત્યારે અમદાવાદ પોલીસની પેટ્રોલિંગના ધજ્જિયા ઉડ્યા છે.