ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી, છંટાયો કેસૂડાનો રંગ
- મંદિરના મુખ્યાજી અને પૂજારી દ્વારા અબીલ ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પીચકારીમાં ભરી ભગવાન શામળીયાને રંગોત્સવ રમાડવામાં આવ્યા
સમીર બલોચ/અરવલ્લી :આજે હોળીના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન માટે વહેલી સવારથી ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ થયો છે. ખાસ કરીને હોળીના દિવસે શ્રી કૃષ્ણ મંદિરોમાં હોળીનું વિશેષ મહત્વ હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન સાથે હોળીનો રંગોત્સવ ઉજવવા યાત્રાધામ ખાતે પહોંચ્યા હતા. શણગાર આરતી સમયે ભગવાન શામળિયાને પણ હોળી રમાડવામાં આવી છે.
શામળાજી મંદિરના મુખ્યાજી અને પૂજારી દ્વારા અબીલ ગુલાલના રંગો અને કેસુડાના રંગને ચાંદીની પીચકારીમાં ભરી ભગવાન શામળીયાને રંગોત્સવ રમાડવામાં આવ્યા છે. ત્યારે આ વેળાએ સમગ્ર મંદિર પરિસર અબીલ ગુલાલની છોળોથી રંગાઈ ગયું હતું. હોળીના પાવન અવસરે ભગવાનના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિસરમાં સૅનેટાઇઝર તેમજ માસ્ક સાથે દર્શન થાય તેવી મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઠાકોરજીને ધાણીનો પ્રસાદ પણ ધરાવાયો હતો. ત્યારે ભગવાન શામળિયાના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા.
આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે કોરોના ગાઈડ લાઇન પ્રમાણે સોસાયટી અને શેરીઓમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવશે અને ધાર્મિક વિધિ કરી શકાશે. તો આવતીકાલે ધુળેટીનો તહેવાર પણ ગાઈડલાઈન સાથે ઉજવાશે. જોકે, સરકારે ધુળેટીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.