હોળીમાં ભક્તિનો રંગ : દ્વારકા-ડાકોર-શામળાજીમાં ફાગણ સુદ પૂનમે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
- આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે હોળીનું મહાપર્વ
- દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્ય સહિત દેશભરમાં આજે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. હિંદુઓના મોટા તહેવારોમાંથી એક હોળીનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સાંજે ઠેર-ઠેર હોળિકાનું દહન કરવામાં આવે છે. ગુજરાતના યાત્રાધામોમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. યાત્રીઓ પગપાળા દ્વારકા, ડાકોર, શામળાજી પહોંચી રહ્યાં છે. જ્યા ફૂલડોલ ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
યાત્રાધમ દ્વારકા ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને દ્વારકાધીશ મંદિર ખાતે પહોંચ્યા છે. દ્વારકા તરફ જતા તમામ માર્ગો જય દ્વારાધીશના નાદથી ગુંજી ઉઠ્યા છે. તો દ્વારકાની તમામ ગલીઓમાં દ્વારકાધીશના ભક્તો જોવા મળી રહ્યા છે. દ્વારકા ખાતે ફુલડોલ મહોત્સવનું અનેરુ મહત્વ હોય છે, ત્યારે ભગવાન દ્વાકાધીશ સાથે રંગે રમવા ભક્તો દૂર દૂરથી ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. તો બીજી તરફ, પૂજારી પરિવાર દ્વારા ભક્તો પર અબીલ ગુલાલનો વરસાદ કરી ભક્તો ભગવાનના પ્રેમમાં ભીંજવવામાં આવે છે.
આ પણ વાંચો : Holi Special : હોળીએ કેસૂડો કેમ કહેવાય છે ગુણકારી, આયુર્વેદથી જાણો તેના અસલી ગુણ
ફાગણ સુદ પુનમે શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ફાગણી પૂર્ણિમાએ કાળિયા ઠાકોરના દર્શને માટે ભક્તો આવી રહ્યાં છે. વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાઈન લાગી છે. ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવવામાં આવશે, મંદિર પરિસરમાં અબીલ ગુલાલની છોળો ઉડાડવામાં આવી છે. ભક્તો હોળીના અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજે રાત્રે શુભમુહૂર્ત જોઈને રાજ્યભરમાં હોળી પ્રગટાવાશે ત્યારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કરવાનું પણ ઘણું મહત્વ છે. હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જોવામાં આવે છે. હોળીની જવાળાનો ધૂમાડો કઈ દિશામાં જાય છે તેના પરથી ખગોળીય રીતે આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ તજજ્ઞો કાઢે છે. ફાગણ સુદ પુનમના દિવસે સાંજે સૂર્યાસ્ત બાદ ખુલ્લા મેદાનમાં હોળીની જ્વાળાઓ કઈ દિશામાં વહે છે તેનું અવલોકન-અનુમાન કરાતું હોય છે. મેઘાંડબર નામક ગ્રંથમાં જણાવ્યા મુજબ હોળી એ હવામાનશાસ્ત્રના અવલોકન અને અભ્યાસનો ખાસ દિવસ હોવાથી તે દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ચાર ઘડીના સમયમાં પવનની દિશા-જવાળાઓનો અભ્યાસ કરાય છે. હોળીના પ્રાગટય સમયે ઉત્તર દિશાનો વાયુ હોય તો શિયાળો લાંબો થાય અને સર્વત્ર વરસાદ પણ સારો થાય છે. જયારે પશ્ચિમ દિશાનો વાયુ હોય તો વરસાદ ખંડવૃષ્ટિ થાય અને ચોમાસુ મધ્યમ રહે. દક્ષિણ દિશાનો વાયુ હોય તો રોગચાળાનો ભય રહે અને પશુ પ્રાણીઓને નુકસાન થાય. ઈશાની વાયરો હોય તો ઠંડી ખૂબ પડે અને ઉનાળો મોડો શરૂ થાય. અગ્નિ દિશાનો વાયુ હોય તો દુષ્કાળનો ભય રહે, વરસાદ મોડો અને થોડો થાય. પાણીની ખેંચ રહે. નેઋત્યનો પવન હોય તો વરસ સાધારણ રહે છે. ખંડવૃષ્ટિ થાય. વાયવ્ય દિશાનો પવન હોય તો વરસાદ સાર્વત્રિક સારો થાય અને ખેતીની ઉપજ સારી રહે છે.