અતુલ તિવારી/અમદાવાદ :હોળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ડાકોર અને દ્વારકામા હોળીની ખાસ ઉજવણી થવાની છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ડાકોર અને દ્વારકા તરફ જતા માર્ગો પર શ્રદ્ધાળુઓ, પગપાળા જતા સંઘોની ભીડ ઉમટી પડી છે. ફાગણ સુદ પૂનમના પહેલા ત્રણ દિવસથી શ્રદ્ધાળુઓ ડાકોર જવા નીકળતા હોવાથી હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી તેમજ જશોદાનગર સર્કલથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ 18 માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાકોર-દ્વારકાના માર્ગે ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યુ
ડાકોરમાં ફાગણ સુદ પૂનમનો મેળો ભરાવવાનો હોઈ શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ 2020માં ડાકોરમાં હોળી - ધૂળેટીનું ભવ્ય આયોજન થયું હતું, ત્યારબાદ ગયા વર્ષે કોરોનાને કારણે કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હોવાથી શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. જો કે કોરોનાના કેસ ઘટતાં ફરી એકવાર આ વખતે ડાકોરમાં પૂનમના દિવસે હોળીની ભવ્ય ઉજવણી થશે. ભગવાનના આશીર્વાદ લેવા શ્રદ્ધાળુઓ અને જુદા જુદા સંઘો પગપાળા ડાકોરના માર્ગો પર જોવા મળ્યા છે. પૂનમના દિવસે સમગ્ર પરિવાર સાથે અનેક લોકો ડાકોર અને દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે જતા હોય છે. ત્યારે અનેક પરિવારો માથે બેગ મૂકી, ભરગરમીમાં નાના બાળકોને વૉલકરમાં લઈ માર્ગો પર ડાકોર અને દ્વારકા જતા જોવા મળ્યા. પગપાળા જતા શ્રદ્ધાળુઓ તેમજ જુદા જુદા સંઘોને માર્ગોમાં સમસ્યા ના થાય એ માટે સેવાભાવી સંસ્થાઓએ કેમ્પ લગાવ્યા છે. શ્રદ્ધાળુઓને પાણી, ચા-નાસ્તો, છાશ તેમજ મેડિકલ સુવિધાઓ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ બપોરે આરામ કરી શકે એ માટે પણ રોકાણની પણ જુદા જુદા કેમ્પોમાં વ્યવસ્થા કરાઈ છે. ફાગણ સુદ પૂનમના પહેલા ત્રણ દિવસથી શ્રદ્ધાળુઓ ડાકોર જવા નીકળતા હોવાથી હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડી તેમજ જશોદાનગર સર્કલથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ 18 માર્ચ સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયો છે.



રાજસ્થાન જનારાઓની જોખમી મુસાફરી
બીજી તરફ, અમદાવાદમાં રોજગારી માટે રાજસ્થાનથી આવતા લોકોની ભીડ વતન જવા માટે ઉમટી પડી છે. ખાસ કરીને હોળી-ધૂળેટીની વતનમાં ઉજવણી કરવા રાજસ્થાન જતી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રાજસ્થાનની ખાનગી બસોમાં સીટ ના મળતા જીવના જોખમે મુસાફરી કરવા લોકો તૈયાર થયા છે. બસ પર બેસીને જનારા લોકોના દ્રશ્યો સામે આવ્યા છે. રાજસ્થાનના ડુંગરપુર જવા અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર વાળીનાથ ચોક પાસે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે. બસોમાં સીટ ના મળતા લોકો જાનના જોખમે બસોની છત પર સવાર થઈ ટિકિટ ખરીદી મુસાફરી કરી રહ્યા છે. રાજસ્થાનની ખાનગી બસની ટિકિટ આપનાર કંડક્ટરે કહ્યું કે લોકો જાતે જ બસોની છતો પર સવાર થઈ રહ્યા છે. 



જોખમી મુસાફરી અમારી મજબૂરી - શ્રમિકો
તો બીજી તરફ, જાનના જોખમે રાજસ્થાનની બસોમાં ડુંગરપુર જવા નીકળી રહેલા લોકોએ કહ્યું કે, બસોમાં જગ્યા નથી, હોળી તો પરિવાર સાથે જ ઉજવવાની છે, 20 તારીખ સુધી પાછા ફરીશું, હાલ તો આ સ્થિતિમાં જ વતન જવાની મજબૂરી છે. જો કે આ રીતે બસોની છત પર બેસીને જોખમી સવારી કરવી જીવલેણ સાબિત થઈ શકે છે, અમદાવાદથી ડુંગરપુર સુધીની આ સફર અંદાજે 6 કલાકની છે, રાત્રિ દરમિયાન જો બસની છત બેઠેલા કોઈ એકને ઝોકું આવે તો કેટલાય માટે આ સવારી જીવલેણ બની શકે છે. 


ભગુરિયા હાટ માટે જતા લોકો 
આ ઉપરાંત ભગુરિયા હાટ અને હોળીનો તહેવાર મનાવવા વતન તરફ અનેક મજૂરોએ દોટ લગાવી છે. આખુ વર્ષ સૌરાષ્ટ્ર તરફ મધ્યપ્રદેશ તરફથી મજૂરી અર્થે ગયેલા મજૂરો હવે વતન તરફ પરત ફરી રહ્યા છે. ટ્રક ગાડીની અંદર ઢસોઢસ ભરેલા મુસાફરો ઉપરાંત ગાડીની ઉપર બાઇક સાયકલ સમાન અને મજૂરો સહિત જોખમી મુસાફરી કરી માદરે વતન રવાના થયા છે. આ લોકોને પોલીસનો ડર પણ નથી લાગતો, ન તો ટ્રાફિકના નિયમોનો ડર છે. જો આવામા અકસ્માત થાય ગંભીર પરિણામ આવી શકે છે.