• કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે રંગોથી ધૂળેટી રમવા તેમજ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. જેની સીધી અસર વેપારીઓ પર પડી

  • સરકારે અગાઉ જ આ પ્રકાર નો નિર્ણય કર્યો હોત તો આજે મોટા વેપારીઓ રંગ અને પીચકારીની ખરીદીમાં મોટું આર્થિક રોકાણ કરતા જ નહિ


પ્રેમલ ત્રિવેદી/પાટણ :ધૂળેટીના પર્વને ફરી એકવાર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થવાને પગલે આવનાર ધૂળેટીના તહેવારમાં રંગો એકબીજા પર ઉડાડી જે પર્વની ઉજવણી કરવામાં આવતી હતી, તેના પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈ અવનવી પિચકારી અને રંગોના વેપારીઓ સરકારના આ પ્રકારના પ્રતિબંધને લઈ ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પ્રસરવા પામી છે અને ફરી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ સરકાર પણ ચિંતિત બનવા પામી છે અને કોરોના સંક્રમણને ઘટાડવા કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા તેમજ કેટલાક મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. તો આ સાથે આગામી દિવસોમાં આવનાર હોળી-ધૂળેટીના પર્વમાં પણ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ધૂળેટીના પર્વની ઉજવણી કરતા હોય છે. જે દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે રંગોથી ધૂળેટી રમવા તેમજ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકાયો છે. જેની સીધી અસર વેપારીઓ પર પડી છે. પાટણ જિલ્લામાં ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખી વેપારીઓએ લાખો રૂપિયાની અવનવી પિચકારી અને રંગોનો મોટા જથ્થો ખરીદ્યો હતો. સરકારે જે પ્રકારે રંગો સાથેની ધૂળેટી રમવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઇ હવે વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. હવે રંગ કે પિચકારીની ખરીદી માટે ગ્રાહક આવશે કે કેમ તે સવાલ ઉભો થવા પામ્યો છે અને ગ્રાહક જો ખરીદી નહીં કરે તો જે માલનું રોકાણ કર્યું છે તેનું શું થશે તેવી ચિંતાઓમાં વેપારીઓ ઘેરાઈ ગયા છે. 


એક વેપારી વિશાલ પટ્ટણીએ જણાવ્યું કે, ધૂળેટીના પર્વને લઇ સીઝન પ્રમાણેનો વ્યવસાય કરતા નાના વેપારીઓએ તો થોડા દિવસ અગાઉ જ મોટા પ્રમાણમાં રંગ અને પિચકારીની ખરીદી કરી માતબર રૂપિયાનું રોકાણ કરી નાખ્યું અને હવે સરકારે કોરોનાને લઇ ધૂળેટી પર્વ પર રંગ સાથેની ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. જેને લઈ નાના વેપારીઓની હાલત પણ કફોડી બની છે. જો ખરીદી જામશે નહીં તો હવે કરેલ રોકાણ પણ માથે પડશે. સાથે જ વ્યાજે ઉછીના રૂપિયા લાવી માલની ખરીદી કરી તે રૂપિયાનું ચુકવણું કેવી રીતે કરવું તે પણ મુશ્કેલી ઉભી થવા પામી છે. તો હવે પરિવારનું ગુજરાન કેવી રીતે કરશું તેની મથામણમાં વેપારીઓ મૂકાયા છે. 


કોરોનાને લઈ હવે તહેવારો પર તેની અસરને કારણે નાના ધંધાથી લઈ મોટા વેપારને પણ માઠી અસર થઈ થઈ છે. ત્યારે હવે આગામી દિવસોમાં ધૂળેટીનો તહેવાર આવતો હૉઇ જેને લઇ કોરોના સંક્રમણ વધે નહિ તે માટે રંગોથી ધૂળેટી પર્વની ઉજવણી પર સરકારે રોક લગાવી છે, પણ સરકારે અગાઉ જ આ પ્રકાર નો નિર્ણય કર્યો હોત તો આજે મોટા વેપારીઓ રંગ અને પીચકારીની ખરીદીમાં મોટું આર્થિક રોકાણ કરતા જ નહિ, પણ અચાનક આ પ્રકારના નિર્ણયને લઇ વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.