દુષ્કર્મની ઘટનાઓ બાદ સરકાર જાગી, ગૃહરાજ્યપ્રધાને DGP સહિતના અધિકારીઓ સાથે યોજી બેઠક
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી.
ગાંધીનગરઃ રાજ્યમાં બાળકીઓ પર થયેલ દુષ્કર્મની ઘટનાઓને લઇ રાજ્ય સરકાર સફાળી જાગી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ તમામ દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે હાઇકોર્ટમાં પત્ર લખવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ કેસોમાં બળાત્કારના દોષીને ફાંસી સુધીની સજા થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તો દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીના પરિવારજનોને સાડા ચાર લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકી પર થયેલ દુષ્કર્મ કેસોમાં સરકારી વકીલની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. તો ગાંભોઇ અને સુરતના બન્ને કેસ મહિલા પોલીસ અધિકારીને સોંપવામાં આવ્યા છે.
કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આવી ઘટનાઓને દુખદ ગણાવવામાં આવી છે. આવા તત્વોને કડક સજા અપાવવા માટે મુખ્યપ્રધાને નામદાર હાઇકોર્ટને વિનંતી કરી છે કે, આવા કેસો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે. આવા કેસોમાં મળવાપાત્ર ફાંસીની સજા માટે બે મહિનાના ગાળામાં ચાર્જશીટ તથા ટ્રાયલ પણ પૂર્ણ થાય અને રોજબરોજ કેસ ચલાવવામાં આવે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા પીનલ કોડ અને સી.આર.પી.સી.માં કરાયેલ નવા સુધારા મુજબ કામગીરી કરાશે.
તેમણે કહ્યું કે, આ તપાસ માટે ખાસ પેરવી ઓફિસરની નિમણૂંક પણ કરાશે. ભોગ બનનાર બાળકી ૧૨ વર્ષથી નીચેની હોય તો તેવા કેસમાં આરોપીને ફાંસીની સજા સુધીની જોગવાઇ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ૧૮ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા જે દુષ્કર્મ કરાયું છે, તે માટે જુવેનાઇલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.