નર્મદાઃ કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવી રહ્યા છે. ત્યારે તેમની મુલાકાત પહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેવડિયા પહોંચીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનનો રૂટ નક્કી થઈ ગયો છે ત્યારે પ્રદીપસિંહે હેલિપેડ, ફ્લાવર ઓફ વેલી, ટેન્ટ સિટી અને સભાસ્થળ એમ તમામ જગ્યાની મુલાકાત લીધી હતી.


તેમની સાથે DGP શિવાનંદ ઝા, આઈજી અભય ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પીએમની મુલાકાત દરમિયાન બે IGP સહિત કુલ ૪ હજાર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે. તો સમગ્ર વિસ્તાર ડુંગરાળ હોવાથી વનવિભાગ તેમજ ઘોડેસવાર પોલીસની પણ મદદ લેવાઈ છે. રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યના પોલીસ વડા થી લઈને 5 SP, 50 PI, 300થી વધુ PSI સહિત 4 થી5 હજાર પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષામાં તહેનાત રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરાશે અને કોઈ પણ વિરોધ પ્રદર્શન થશે. તો તરત જ અટકાયત કરવામાં આવશે. ડ્રોન અને બટન જેવી તમામ સિસ્ટમ એલર્ટ રહેશે. પર્વતીય વિસ્તાર હોવાથી હવાઈ મારફતે થનારી સુરક્ષા અંગે પણ પ્રદીપસિંહે માહિતી મેળવી હતી.