અમદાવાદના ખાડાવાળા રસ્તાથી ઘોડીનો પગ તૂટ્યો, હવે આજીવન લંગડી દોડશે
સ્માર્ટ સીટી અમદાવાદમાં લોકો બિસ્માર રોડથી ત્રસ્ત છે. બોપલ જેવા વિસ્તારોમાં પણ ઠેર ઠેર તૂટેલા રોડ, રસ્તે ઊડતી ડમરીઓથી લોકો પરેશાન છે. અવારનવાર ગુજરાત હાઇકોર્ટે પણ શહેરના બિસ્માર રોડ મામલે મનપાનો ઉધડો લઇ ચુકી છે અને સારા ગુણવત્તાયુક્ત રોડ બનાવવા ટકોર કરી ચૂકી છે, છતા રોડની સ્થિતિ સુધરતી નથી. આવામાં અમદાવાદીઓ માટે આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી શહેરના તૂટેલા માર્ગોને કારણે પડવું, વાગવું, વાહનને નુકસાન થવું એવા કિસ્સાઓ બનતા હતા. પરંતુ હવે અબોલ પ્રાણીઓ પણ તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.
અતુલ તિવારી/અમદાવાદ :સ્માર્ટ સીટી અમદાવાદમાં લોકો બિસ્માર રોડથી ત્રસ્ત છે. બોપલ જેવા વિસ્તારોમાં પણ ઠેર ઠેર તૂટેલા રોડ, રસ્તે ઊડતી ડમરીઓથી લોકો પરેશાન છે. અવારનવાર ગુજરાત હાઇકોર્ટે પણ શહેરના બિસ્માર રોડ મામલે મનપાનો ઉધડો લઇ ચુકી છે અને સારા ગુણવત્તાયુક્ત રોડ બનાવવા ટકોર કરી ચૂકી છે, છતા રોડની સ્થિતિ સુધરતી નથી. આવામાં અમદાવાદીઓ માટે આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી શહેરના તૂટેલા માર્ગોને કારણે પડવું, વાગવું, વાહનને નુકસાન થવું એવા કિસ્સાઓ બનતા હતા. પરંતુ હવે અબોલ પ્રાણીઓ પણ તંત્રની બેદરકારીનો ભોગ બની રહ્યા છે.
અમદાવાદમાં આવેલા ગાંધી બ્રિજ ઉપર તંત્રની બેદરકારીનો ભોગ અબોલ ઘોડી બની છે. અમદાવાદના માર્ગો પર વાહનથી જતા સમયે શહેરીજનોએ જ નહીં પરંતુ અબોલ પ્રાણીઓએ પણ હવે ચેતવું પડશે. ગાંધી બ્રિજ પર ઘોડીનો પગ ફસાઈ જતા ઘોડીએ પગ કાઢવાનો પ્રયાસ કર્યો, અને ઘોડીનો પગ તૂટ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે બ્રિજ પર બનાવાયેલા હોલમાં ઘોડીનો પગ ફસાયો હતો. જો તંત્ર દ્વારા હોલ પર કોઈ જાળી લગાવવામાં આવી હોત તો અબોલ ઘોડીનો પગ ફસાય અને તૂટે એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના ના બની હોત.
આ પણ વાંચો : કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલને AAP ની ઓફર, કહ્યું-અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ
આ ઘટના વિશે ઘોડીના માલિકે કહ્યું કે, હવે ઘોડીનો પગ તૂટી ગયો છે, પગના ઈલાજ માટે ડોક્ટર સાથે વાત કરી રહ્યો છું. તંત્રની બેદરકારીને કારણે મારું તો લાખોનું નુકસાન થઈ ગયું, બ્રિજ પર ઘોડીનો પગ ફસાઈ જાય એવા મોટા હોલ છે, જેની ઉપર જાળી લગાવવાની જરૂર છે. આ ઘોડી હવે મારા કોઈ કામની નથી રહી, એનો ઇલાજ કરાવવો પડશે, લાખોનો ખર્ચ ભોગવવો પડશે.
અમદાવાદમાં તૂટેલા રોડ સામે જનતા ત્રસ્ત
બોપલ ગામનો રોડ હોય કે પછી સૂબો સેન્ટરથી વિશ્વકુંજ સોસાયટીનો રોડ હોય, રાહદારીઓ ઉબડખાબડ રોડ ઉપર ચાલવા મજબુર છે. માત્ર આટલું જ નહીં પણ સરખેજ ચોકડીથી શાંતિપુરા ચોકડીનો રોડ હોય કે પછી ગુજરાત યુનિવર્સીટીથી યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનો રોડ, તમામ રસ્તાઓ જાણે ડાન્સિંગ રોડ હોય તેવી પરિસ્થિતિ છે. નેશનલ હાઇવે ઓથોરિટી પણ એસ. જી હાઇવે ના રોડ મામલે કોઈ દરકાર લેતી નજરે પડતી નથી. આંકડાઓ ઉપર નજર નાખીએ તો અમદાવાદ મનપાએ એપ્રિલ 2019 થી માર્ચ 2020 સુધી 174 કિમીના 361 રસ્તા બનાવ્યા. એપ્રિલ 2020 થી માર્ચ 2021 સુધી 171 કિમીના 377 રસ્તા બનાવ્યા. મનપા દ્વારા એપ્રિલ 2021 બાદ કુલ 490 જેટલા જુદા જુદા ઝોનમાંથી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી આજ દિન સુધી માત્ર 275 રોડનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બાકીના 215 રોડનું કામકાજ હજી પ્રગતિમાં હોવાનો દાવો મનપા કરી રહી છે.
1 એપ્રિલ 2021 બાદ પચ્છિમ વિસ્તારના 94 માંથી 58 રોડ, ઉત્તર પશ્ચિમ વિસ્તારના 61 માંથી 32 રોડ, દક્ષિણ પશ્ચિમ વિસ્તારના 54 માંથી 19 રોડ, પૂર્વ વિસ્તારના 64 માંથી 50 રોડ, દક્ષિણ વિસ્તારના 68 માંથી 35 રોડ, મધ્ય વિસ્તારના 10 માંથી 8 રોડ, જ્યારે રોડ પ્રોજેક્ટ દ્વારા બનનારા 81 રોડમાંથી 48 રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.