વડોદરા : શહેરના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન સામે રાણા સમાજની જમીન પર બિનકાયદેસર રીતે ચાલતી હોટલની મુલાકાતે ગયેલા ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સામે માથાભારે હોટલ-માલિકે ગેસ-સિલિન્ડરનો છુટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત આ વ્યક્તિએ ડેપ્યુટી મેયર સહિત કાઉન્સિલરોને બીભત્સ અપશબ્દો બોલી ચાકુ બતાવી આપઘાત કરી લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.  પોતાની હોટલને તોડતા બચાવવા માટે ગેરર્તણુંક આરંભી હતી. જોકે હોદ્દેદારોએ નમતું જોખવાને બદલે તાત્કાલિક દબાણ શાખાની ટીમને સ્થળ પર બોલાવી દબાણો દૂર કરાવ્યાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં દબાણ દૂર કરવા પહોંચેલા ડેપ્યુટી મેયર અને કોર્પોરેશનના પદાધિકારીઓ પર એલપીજી સિલિન્ડર ફેંકાતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે વડોદરાના મેયર કેયૂર રોકડિયા પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર હસ્તક આવતી જમીનમાં જે દબાણો છે એને દૂર કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું કે જે લોકોએ ડેપ્યુટી મેયર અને પદાધિકારીઓ પર હુમલો કર્યો છે તેમને પોલીસે પકડી લીધા છે. તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું. 


આ અંગે સ્થાનિક કાઉન્સિલર મનોજ પટેલે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં જે કોઇ ગેરકાયદેસર દબાણો, બાંધકામ થયેલા છે તે તમામ દબાણો, બાંધકામ આગામી દિવસોમાં દૂર કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. રસ્તા ખુલ્લા કરવા માટે જે કોઇના દબાણો અને બાંધકામ હશે તે કોઇની શેહશરમ રાખ્યા વિના દૂર કરવામાં આવશે. આજે કાસમઆલા કબ્રસ્તાન સામે ગેરકાયદે હોટલ ચલાવનાર શખ્સ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તણૂક કોર્પોરેશન દ્વારા ચલાવી લેવાશે નહી. આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.