Navsari HeavyRains: ચોમાસું આવે એટલે નદી-નાળા છલકાય, ડેમ ઓવરફ્લો થાય અને ખેતરો પાણી પાણી થઈ જાય એટલે અન્નદાતા આનંદીત થઈ ઉઠે. પણ દક્ષિણ ગુજરાતના નવસારી માટે ચોમાસું ભારે હોય તેમ લાગી રહ્યું છે. આ જ વર્ષે નવસારીમાં એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વખત પૂર આવ્યું છે. હા 35 દિવસમાં ત્રીજી વખત પૂર. ફરી પાણી પાણી થયેલા નવસારીના કેવા છે હાલ?


  • પૂર ઉપર પૂર, નવસારીના હાલ બેહાલ 

  • 35 દિવસમાં ત્રીજી વખત આવ્યું પૂર

  • નદીઓ ગાંડીતૂર, વિસ્તારોમાં જળબંબાકાર 

  • અંબિકા, કાવેરી અને પૂર્ણામાં આવ્યું ઘોડાપૂર

  • નવસારી શહેરમાં કેમ વારંવાર આવે છે પૂર?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચોમાસુ જો કોઈ એક શહેરને ભારે પડ્યું હોય તો તે નવસારી છે. એક મહિનામાં જ સતત ત્રીજી વખત નવસારી ડૂબી ગયું છે. 35 દિવસમાં ત્રીજી વખત નવસારીની નદીઓમાં ઘોડાપુર છે, વિસ્તારોમાં જળબંબાકાર છે, લોકોના ઘરોમાં પાણી છે અને નગરજનો પાણીને કારણે પરેશાન છે. જિલ્લામાંથી વહેતી નદીઓ બેકાબૂ બનતાંનીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.


આ ચોમાસામાં નવસારીમાં પહેલું પૂર 26-27 જુલાઈએ આવ્યું. ત્યારપછી ઓગસ્ટના બીજા સપ્તાહમાં આવ્યું અને હવે ત્રીજુ પૂર 2 સપ્ટેમ્બર 2024ના દિવસે આવ્યું છે. ઉપરા ઉપરી ત્રણ પૂરથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા મધ્યમવર્ગિય પરિવારની હાલત કફોડી થઈ ગઈ છે. માંડ માંડ ગૂજરાન ચલાવતા પરિવારોને પૂરે પડ્યા પર પાટું માર્યું છે. આ વખતે ત્રણ વખત પૂરને કારણે નવસારીના લોકોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. નવસારીના બેસતખાડા, હિદાયત નગર, અલીફ નગર, ગધેવન, શાંતાદેવી, દશેરા ટેકરી અને કાશીવાડી સહિતના 15થી વધુ વિસ્તારોમાં પૂરને કારણે સ્થળાંતરણ કરવાનો વારો આવ્યો છે. 


નવસારીમાં ક્યારે આવ્યું પૂર? 


  • પહેલું પૂર 26-27 જુલાઈએ આવ્યું

  • ઓગસ્ટના બીજા સપ્તાહમાં બીજુ પૂર આવ્યું 

  • ત્રીજુ પૂર 2 સપ્ટેમ્બર 2024ના દિવસે આવ્યું છે


ક્યાં ભરાયા પાણી?


  • બેસતખાડા, હિદાયત નગર, અલીફ નગર

  • ગધેવન, શાંતાદેવી, દશેરા ટેકરી, કાશીવાડી 

  • 15થી વધુ વિસ્તારોમાં પૂરને કારણે સ્થળાંતરણ કરાયું


જુલાઈ અને ઓગસ્ટમાં બે વખત પૂરનો હિંમત પૂર્વક સામનો કરનારા નવસારીવાસીઓની હાલત ત્રીજા પૂરે કફોડી કરી નાંખી છે. પહેલા બે પૂર દરમિયાન સરકારે સર્વે તો કર્યો પરંતુ સહાય હજુ ચુકવી નથી. ત્યારે અસરગ્રસ્ત પરિવારો ત્રીજા પૂરમાં આકાશ તરફ મીટ માંડીને એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે હે વરૂણદેવ હવે ખમૈયા કરો. હવે પૂરનો માર નથી ઝીલવાતો. ધરતીપુત્રો પણ પરેશાન છે. બે વખતના પૂરથી શેરડી, શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સરવેની કામગીરી પણ કરી હતી જેમાં સહાય મળવાની બાકી છે. ખેડૂતોએ હાલમાં જ ફેરરોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં ફરીવાર ત્રીજી વખત પૂર આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે.


પૂરથી સતત નુકસાન 


  • બે વખતના પૂરથી શેરડી, શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન

  • બાગાયત, ખેતીવાડી વિભાગે સરવેની કામગીરી પણ કરી, સહાય બાકી 

  • ખેડૂતોએ ફેરરોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો 

  • ત્રીજી વખત પૂર આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે


ત્રીજા પૂરમાં 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. તો 55 જેટલા રોડ-રસ્તા બંધ કરવાની ફરજ પડી. નવસારીમાં પૂરનું કારણ ઉપરવાસમાં ભારે વરસાદ છે...નવસારીમાં તો વરસાદ ઓછો છે પરંતુ ડાંગ જિલ્લામાં વધુ વરસાદ ત્યાંથી આવતી અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતાં આ નદીઓના પાણી નવસારી ઘૂસી ગયા અને આખા શહેરને પાણી પાણી કરી નાંખ્યું. હવે જોવાનું રહેશે કે પૂરના પાણીથી નવસારીવાસીઓને ક્યારે રાહત મળે છે અને ક્યારે અસરગ્રસ્તોને સરકાર સહાય ચુકવે છે?