ઉત્તરાયણમાં કેવી રહેશે ઠંડી? કાતિલ ઠંડીથી ગુજરાતીઓ ધ્રુજી ઉઠ્યાં; હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી
આજે અમદાવાદમાં શિયાળાની સિઝનની સૌથી વધુ 8 ડિગ્રી ઠંડી નોંધાતા લોકો ધ્રુજી ઉઠયા હતા. અગાઉ ગત ડિસેમ્બરમાં તા.22ના રોજ 9.2 ડિગ્રી નોંધાઈ હતી. આખો દિવસ પવનના સૂસવાટા સાથે ઠંડીની કાતિલતામાં વધારો અનુભવાયો હતો.
ઝી ન્યૂઝ/બ્યુરો: કમોસમી માવઠાના કારણે રાજ્યમાં હાલ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. થોડા દિવસો ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ વરસ્યા બાદ એકા-એક ઠંડીમાં વધારો નોધાયો છે. આગામી દિવસોમાં ઠંડી વધવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ માવઠાની પણ આગાહી છે. પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ હોય તેમ આજે સમગ્ર રાજ્યમાં શીત લહેર ફરી વળી હતી.
માવઠા બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નલિયાનું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરનું તાપમાન પણ 7 ડિગ્રી, અમદાવાદ, વડોદરાનું તાપમાન 9 ડિગ્રી, ડીસા અને વિદ્યાનગરનું તાપમાન 10 ડિગ્રી, રાજકોટનું તાપમાન પણ 10 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગર અને મહુવાનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. આજે અમદાવાદમાં શિયાળાની સિઝનની સૌથી વધુ 8 ડિગ્રી ઠંડી નોંધાતા લોકો ધ્રુજી ઉઠયા હતા. અગાઉ ગત ડિસેમ્બરમાં તા.22ના રોજ 9.2 ડિગ્રી નોંધાઈ હતી. આખો દિવસ પવનના સૂસવાટા સાથે ઠંડીની કાતિલતામાં વધારો અનુભવાયો હતો. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.8 ડિગ્રી નોંધાઈ હતી.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હવામાન ખાતાએ પણ બે દિવસ સુધી કોલ્ડવેવ ચાલુ રહેવાની આગાહી કરી છે. તા.10 અને 11 સુધી અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં શીત લહેરની આગાહી કરી છે. રાજ્યના 8 શહેરોમાં 9 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જ્યારે 3 શહેરમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં તા.10ના રોજ 8, તા.11ના રોજ 9, તા.12ના રોજ 10, તા.13ના રોજ 11, તા.14ના રોજ 12 અને તા.15ના રોજ 13 ડિગ્રી ઠંડીની આગાહી છે. મતલબ મકર સંક્રાંતિ ઠંડીની સાથે જ ઉજવવી પડશે.
નોંધનીય છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે તાપમાન ગગડતા તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે. ખાસ કરીને ગઈકાલથી જ અમદાવાદમાં ઠંડી વધવાની શરૂ થઈ હતી.
ગત રાત્રિએ નલિયા-ગાંધીનગર-અમદાવાદ ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube