ચાર વાર ગુજરાતના CM રહેનાર માધવસિંહને રાજકારણમાં આવવું જ નહોતું, જાણો કેમ તેમને ચૂંટણી લડવી ન હતી
Gujarat Elections : ચાર-ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર માધવસિંહને રાજકારણમાં પ્રવેશવું જ નહોતું. પરંતું અચાનક એવું તો શું થયું કે માધવસિંહે ચૂંટણી લડવી પડી. આ પાછળ એક રસપ્રદ કિસ્સો છે
ચિંતન ભોગાયતા/અમદાવાદ :ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં ગુંજતું નામ એટલે માધવસિંહ સોલંકી. ચાર-ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર માધવસિંહને રાજકારણમાં પ્રવેશવું જ નહોતું. પરંતું અચાનક એવું તો શું થયું કે માધવસિંહે ચૂંટણી લડવી પડી. તો પછી કેવી રીતે રાજનીતિમાં આવી ગયા માધવસિંહ સોલંકી. આ પાછળ એક રસપ્રદ કિસ્સો છે.
આ એ સમયની વાત છે જ્યારે માધવસિંહ સોલંકી ગાંધી આશ્રમમાં રહેતા હતા અને લોકનાથ અખબારમાં નોકરી કરતા હતા. નોકરીની સાથે વકીલાતનો અભ્યાસ પણ કરતા હતા. તેમની કોલેજમાં તેમના એક મિત્ર હતા હામીદ કુરેશી. કુરેશી બાળપણથી જ સાબરમતી આશ્રમમાં રહેતા હતા. હામીદ કુરેશી અને માધવસિંહ વચ્ચે મુલાકાત પણ ત્યાં જ થઈ હતી. તેવામાં આવી 1957ની ચૂંટણી.
આ પણ વાંચો : ગરબામાં કેજરીવાલ પર ફેંકાઈ પાણીની બોટલ, શખ્સે સીધો બોટલનો ઘા કર્યો
આ સમયે ગુજરાત બોમ્બે રાજ્યનો ભાગ હતું. હામિદે પોતાના મિત્ર માધવસિંહને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા કહ્યું. બંને વચ્ચે કંઈક આવો સંવાદ થયો હતો.
- હામિદ કુરેશી - માધવસિંહ મને લાગે છે તમારે કોંગ્રેસની ટિકિટ પર ધારાસભામાં ઉમેદવારી કરવી જોઈએ.
- માધવસિંહ - શું? ચૂંટણી અને હું? ના.. ના.. એ મારું કામ નથી.
- હામિદ કુરેશી - પણ તમને વાંધો શું છે?
- માધવસિંહ - હું ગરીબ પરિવારમાંથી આવું છું. મારે વકીલાત કરવી છે, પૈસા કમાવા છે. જેથી હું મારા પરિવારને મદદ કરી શકું.
આવી રીતે માધવસિંહે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી. પણ તકદીર માધવસિંહ પાસેથી કંઈક બીજું જ ઈચ્છી રહી હતી. માધવસિંહની ગરીબાઈ અને ચૂંટણી ન લડવાનું કારણ કોઈ રીતે બાબુભાઈ જશભાઈ પટેલના ધ્યાન પર આવ્યું. એ સમયે તો બાબુભાઈ બોમ્બે સ્ટેટના નાયબ મુખ્યમંત્રી હતા. જોગાનુજોગ બાબુભાઈ માધવસિંહના સસરા ઈશ્વરસિંહના અંગત મિત્ર હતા.
આ પણ વાંચો : Gandhi Jayanti 2022: પોતાના જન્મદિવસે બાપુ શું કરતા હતા? જાણો ખાસ વાતો
બસ પછી તો બાબુભાઈએ બોમ્બેથી એક પત્ર ઈશ્વરસિંહને મોકલ્યો અને તેમાં લખ્યું હતું કે, ‘જો તમારા જમાઈ આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઊભા રહે તો કેવું રહેશે?’ બાબુભાઈનો પત્ર લઈને ઈશ્વરસિંહ સાબરમતી આશ્રમ પહોંચ્યા અને માધવસિંહને મનાવવાના પ્રયાસ કર્યા.
- ઈશ્વરસિંહ - માધવસિંહ મને એમ લાગે છે કે તમારે ચૂંટણી લડવી જોઈએ.
- માધવસિંહ - હું આ પહેલાં હામિદને પણ કહી ચૂક્યો છું કે ચૂંટણી લડવી એ મારું કામ નથી.
- ઈશ્વરસિંહઃ તમે સમજો, બાબુભાઈએ પત્ર લખીને તમારી ભલામણ કરી છે અને તમને કોંગ્રેસમાંથી ટિકિટ આપવા માગે છે.
- માધવસિંહઃ પણ અત્યારે મારી પ્રાથમિકતા મારો પરિવાર છે. તમે મારી વાતનું દુઃખ ના લગાડશો પણ હું ચૂંટણી નહીં લડી શકું.
સસરાને ના કહી માધવસિંહ તો છૂટી ગયા. બીજી તરફ બોમ્બે પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક ચાલી રહી હતી. બાબુભાઈએ માધવસિંહના સસરા ઈશ્વરભાઈને પત્ર લખ્યો હતો હજી સુધી તેનો કોઈ જવાબ મળ્યો નહોતો. બાબુભાઈએ 'હા' સમજીને માધવસિંહનું નામ આગળ કરી દીધું. આ રીતે એમનું નામ ઉમેદવારોની યાદીમાં આવી ગયું. બીજા દિવસે જ્યારે અખબારમાં યાદી છપાઈ તો માધવસિંહને તેમની ઉમેદવારીની જાણકારી મળી.
આ રીતે એક ટપાલ દ્વારા અધૂરા માહિતી સંચારની ભૂલના કારણે માધવસિંહનો રાજકારણમાં પ્રવેશ થયો.
આ પણ વાંચો : કેરી લાવતાં પત્ની વિરૂદ્ધ ધરણાં પર બેસ્યા હતા શાસ્રીજી, જાણો 2 રોચક કિસ્સા
રાજનીતિ પણ કેવી હોય છે તેનો દાખલો જુઓ. જે બાબુભાઈ પટેલે માધવસિંહને ચૂંટણી લડવા માટે ટપાલ લખી હતી એમની જ સરકાર પાડીને માધવસિંહ સોલંકી 1976માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ખેર, આ જ તો રાજકારણ છે. આ કિસ્સો આપને કેવો લાગ્યો,,, આપનો અભિપ્રાય જરૂર જણાવજો અને ગુજરાતની રાજનીતિના આવા જ રસપ્રદ પ્રસંગો જાણવા માટે જોતા રહો અમારી આ ખાસ સિરીઝ એ સમયની વાત છે.
જાણવા જેવું
1957ની વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહ સોલંકી બોરસદ દક્ષિણ બેઠકથી લડ્યા. અપક્ષ ઉમેદવાર ખોડાભાઈ પરમારને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા. 1962માં નવરચિત ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી થઈ. જીવરાજ મહેતાની નેતાગીરીમાં તેઓ પ્રથમ વખત મહેસૂલ મંત્રી બન્યા. ત્યારબાદ 1975 સુધી તેઓ કોંગ્રેસની દરેક સરકારમાં મંત્રી રહ્યા.