જમીનની ખરીદી અને નોંધણી વખતે છેતરપિંડીથી બચવા આ બાબતોને ધ્યાનમાં રાખો, નહીં તો...
મિલકત ખરીદતી વખતે તેનો માલિકી હક વેચનાર પાસેથી ખરીદનારને ટ્રાન્સફર થાય છે તેને રજિસ્ટ્રી કહેવામાં આવે છે. રજિસ્ટ્રી એક કાયદાકીય પ્રક્રિયા છે. જેના આધારે જમીનનું ખરીદ-વેચાણ થાય છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: જમીનની નોંધણી સંબંધિત કૌભાંડ અને ગેરરીતિઓ વિશે આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. ગુનાહિત માનસિકતા ધરાવતા અને લાલચુ લોકો એક જ જમીનની એકથી વધુ વખત નોંધણી કરાવીને છેતરપિંડી આચરે છે. એામાં આવી છેતરપિંડીથી બચવા માટે અસલી અને નકલી રજિસ્ટ્રી વચ્ચેનો તફાવત ખબર હોવો જરૂરી છે.
જમીનની નોંધણી સંબંધિત છેતરપિંડીના પ્રકાર
એક અંદાજ મુજબ દર વર્ષે દેશમાં 40 ટકા રજિસ્ટ્રી નકલી થાય છે. સામાન્ય રીતે લોકો જમીનની રજિસ્ટ્રી અને દસ્તાવેજો જોતા હોય છે, પણ આમ કરવું પૂરતું નથી. આ દસ્તાવેજોને જોઈને એ વાતની પુષ્ટિ નથી કરી શકાતી કે જમીન પર વેચનારનો માલિકી હક છે કે નહીં.
જમીનની રજિસ્ટ્રીમાં છેતરપિંડી સંબંધિત બાબતોને ટાળવા માટે, સૌ પ્રથમ તમારે જમીનની નવી અને જૂની રજિસ્ટ્રી જોવી જોઈએ. જે વ્યક્તિ તમને જમીન વેચી રહી છે તેણે જમીન અન્ય કોઈ પાસેથી ખરીદી હોય તો શું તે વ્યક્તિને જમીનની નોંધણી કરાવવાનો કાયદેસરનો અધિકાર હતો? આ ઉપરાંત તમારે પેઢીનામાનું તપાસીને તેમાં ક્રમ જોવો જોઈએ. આ માટે તમે કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈ શકો છો.
એકત્રીકરણના રેકોર્ડ્સ 41-45 તપાસો
આ જમીનનો સૌથી મહત્વનો રેકોર્ડ છે. એકત્રીકરણના રેકોર્ડ 41 અને 45માંથી જાણી શકાય કે જમીન કઈ શ્રેણીની છે. જમીન સરકારી તો નથી, કે પછી ભૂલથી વેચનારના નામે તો નથી આવી ગઈ. એકત્રીકરણના રેકોર્ડ 41 અને 45 સ્પષ્ટ કરે છે કે જમીન સરકાર, વન વિભાગ કે રેલવેની છે.
જમીન સંબંધિત કાયદાકીય વિવાદો વિશે માહિતી મેળવો
ઘણી વખત વારસાઈ કે ડબલ રજિસ્ટ્રીના કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય છે. તમે જમીન ખરીદો ત્યારે જુઓ કે તેના પર કોઈ પેન્ડિંગ કેસ તો નથી ને. આ અંગેની માહિતી તાલુકામાંથી જમીનના ડેટા નંબર અને જમીન માલિકના નામ પરથી મેળવી શકાય છે.
આ ઉપરાંત ગીરો મુકેલી જમીન એટલે કે જે જમીન પર કોઈપણ પ્રકારની લોન લીધી છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ. જે વ્યક્તિ તમને જમીન વેચી રહી છે, જમીન ખરેખર તેના કબ્જામાં છે કે કેમ, તે પણ તપાસવું જોઈએ.