વલસાડઃ જિલ્લાના કપરાડાના ઓઝરડામાં વિકાસના ખોખલા દાવાની વરવી વાસ્તવિકતા ત્યારે સામે આવી ગઈ જ્યારે વરસાદની આ સીઝનમાં એક માસુમનું મોત થયું. માસુમની અંતિમવિધિની તૈયારી તો કરી લેવાઈ પરંતુ અંતિમવિધિ પહેલાં વહેતા મોતનો સામનો કરવો પડે તેમ હતું. પણ આ જ આ ગામની હકીકત છે. અહી બે કાંઠે વહેતી નદી પર કોઇ પૂલ નથી. જેથી જ્યારે પણ ગામમાં કોઇ મરણ થાય તો મૃતદેહને ટાયરની ટ્યૂબ પર બાંધીને અંતિમવિધિ માટે લઇ જવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકના પરિવારજનો માટે એનાથી વધારે વિપરીત સ્થિતિ શું હોય શકે..? વધારે કરૂણ પરિસ્થિતિ તો ત્યારે સર્જાઈ જ્યારે એક બાજુ આંખમાં આંસુનો દરિયો હતો અને સામે વહેતું માસુમનું મોત હતું. આ માસુમના મૃતદેહની અંતિમવિધિમાં સામેલ થવા સ્વજનોએ પણ આ નદીમાંથી તરીને જ સામાકાંઠે રહેલાં સ્મશાન જવું પડ્યું હતું. 


વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઓઝરડા ગામમાં આ માસુમના મૃતદેહને જ નહીં. પરંતુ આ ગામમાં કોઈનું પણ મૃત્યુ થાય તો આજ રીતે તરીને અંતિમવિધિ માટે પરિવારજનોએ જવું પડે. કારણ છે કે, નદી વચ્ચે નથી બંધાયો કોઈ પુલ. વર્ષોથી ગામલોકોની આ સમસ્યાનો ઉકેલ જલદી આવે તેવું સ્થાનિકો પણ ઈચ્છી રહ્યા છે.