અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ahmedabad Lotus Park : ફ્લાવર શોની સફળતા બાદમાં હવે અમદાવાદના ગોતા વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનાવાશે, જ્યાં એક જગ્યાએ ભારતના તમામ ફુલો નિહાળી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે
Ahmedabad News : અમદાવાદીઓ માટે શહેરમાં નવું નજરાણું આવી રહ્યું છે. શહેરમાં 80 કરોડના ખર્ચે ભવ્ય લોટસ પાર્ક આવી રહ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ભવ્ય લોટસ પાર્ક બનવાનો છે. બે વર્ષમાં આ નવો પાર્ક અમદાવાદીઓને ભેટ કરાશે.
ફલાવર શોની સફળતા બાદ હવે અમદાવાદને નવી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદમાં એક એવુ ગાર્ડન આકાર પામી રહ્યું છે, જેમાં કાયમી અનોખા પ્રકારના ફુલછોડ જોવા મળશે. અમદાવાદના SG હાઈવે ઉપર ગોતા વિસ્તારમાં 80 ખર્ચથી લોટસ પાર્ક બનાવાશે. આ ગાર્ડન યુનિક પ્રકારનો રહેશે. જે કમળના આકારમાં બનાવવામાં આવનાર છે. તેની ખાસિયત એ છે કે, દેશના તમામ રાજ્યોના ખાસ ફુલો અહી એક જ જગ્યાએ જોવા મળશે. આ લોટસ ગાર્ડન અનેક ખાસિયતોથી ભરપૂર રહેશે.
થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં લોટસ પાર્કનો પ્રોજેક્ટ મૂકાયો હતો. ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે દેવસીટી પાસે ટી.પી.સ્કીમ.-૨૯ના ફાઈનલ પ્લોટ-૪ ખાતે લોટસપાર્ક ડેવલપ કરવાનુ આયોજન આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યુ હતું. ત્યારે હવે આ પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા છે.
કમળ આકારનો પાર્ક
આ લોટસ પાર્કની ખાસિયત એ રહેશે કે, 25 હજાર ચોરસમીટર જગ્યામાં દેશના તમામ રાજયના ફુલ એક સ્થળે જોવા મળશે. આ પ્રોજેકટનો આકાર કમળના રુપમાં લેવામાં આવ્યો છે. દરેક પાંખડી દેશના જુદા જુદા રાજયના ફુલોનુ પ્રદર્શન કરશે. દેશના તમામ રાજયના ફુલની પાંખડી ટેબલેટ રુપમા એક જ સ્થળે પ્રદર્શિત કરવામાં આવશે.
આ પાર્કની ખાસિયત
આ ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી થીમ ઉપર વિકસાવાશે. લેન્ડ સ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા તથા પાર્કિંગ વ્યવસ્થા સાથે આ પ્રોજેકટ તૈયાર થશે. જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ હશે. આ દરેક પાંખડી ટેબ્લેટ વડે ટેક્નોલોજીના માધ્યમથી નિયંત્રિત કરી શકાશે.
દેશોના વિવિધ ભાગના ફુલોનુ ફલોરલ મ્યુઝિયમમાં પ્રદર્શન કરવામા આવશે. ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ પાર્ક હશે. વિવિધ પ્રદેશના ફૂલો અહી મૂકવામાં આવશે. આ ગાર્ડનમાં ભેજ, તાપમાન અને દરેક વસ્તુ નિયંત્રિત કરી શકાશે.
આ પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ ઉપર વિકસાવવામા આવશે.લોટસ પાર્કની સિવિલ,ઈલેકટ્રીક તથા લેન્ડ સ્કેપ સહિતની કામગીરી કરવા રુપિયા ૨૦ કરોડ ફાળવવામા આવ્યા છે. લોટસ પાર્કનો કુલ ખર્ચ ૫૦ કરોડથી વધુ થવાની સંભાવના છે. બે થી ત્રણ તબકકામાં ગાર્ડનની કામગીરી કરવામાં આવશે.