શિકારીનો ચોંકાવનારો ખુલાસો, ગીરમાં સિંહ બાળની હત્યા કરીને તેના અંગો વેચ્યા હતા
- ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહના શિકારના એક પછી એક ચોંકાવનારા ખુલાસા કર્યાં
- અદાલતે તમામ 11 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જેમાં એક આરોપીએ ભૂતકાળમાં સિંહની હત્યા કર્યાનું કબૂલ્યું
હેમલ ભટ્ટ/ગીર :ગીર સોમનાથ જિલ્લાના ખાંભા ગામે ફાસલામા સિંહ બાળ અને શિયાળ ફસવાના મામલા વન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાંથી 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. વન વિભાગે સૂત્રાપાડાની અદાલતમાં 11 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તમામ 11 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જેમાં એક આરોપીએ ભૂતકાળમાં સિંહની હત્યા કર્યાનું કબૂલ્યું છે.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછને પગલે વધુ શંકાસ્પદ વ્યક્તિઓને પણ નજીકના વિસ્તારોમાંથી પકડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. આ શકમંદોમાંથી જુનાગઢના ડુંગરપુર ગામના એક રહેવાસી સોનૈયા ગુલાલ પરમારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલ્યું કે, તેણે ભૂતકાળમાં 1 સિંહ બચ્ચાને ફસાવી અને તેની હત્યા કરી હતી. આ સાથે જ તેણે આ કામમાં સંડોવાયેલા શિકારીઓના નામ પણ આપ્યા છે. સમગ્ર મામલે રેન્જ ફોરેસ્ટ ઑફિસર, ડુંગર દક્ષિણ રેન્જ, જુનાગઢ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં વધુ તપાસ ચાલી રહી છે. શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. સોનૈયા ઉપરાંત તેના સાગરીતો વિજય પરમાર, સુલેમાન પરમાર, લાલજી પરમાર અને જીવણસિંહ પરમારની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરાતા તેઓને રિમાન્ડ પર સોંપાયા છે.
ટિકિટ ન મળતા કોંગ્રેસની મહિલા નેતાઓનો પારો સાતમા આસમાને ચઢ્યો, કંઈક નવાજૂની કરવાના એંધાણ
ડુંગરપુરથી ઝડપાયેલા આરોપી સોનૈયા ગુલાબ પરમારે સિંહના શિકારના એક પછી એક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. ત્યારે આ મામલે વન વિભાગ વધુ પૂછપરછ કરી રહ્યું છે કે, સિંહ બાળની હત્યા કરીને તેના અંગોનુ શું કરાયું. શું સિંહોના અંગો ખરીદનારી કોઈ ગેંગ પણ ગુજરાતમાં એક્ટિવ છે. તો આ ષડયંત્રમાં બીજુ કોણ કોણ સંકળાયેલું છે.
વનવિભાગે લાખ્ખો રૂપિયાના ખર્ચે સાસણમાં સિંહોના સંરક્ષણ માટે એક કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે. અને સિંહના જુદા જુદા ગૃપોમાં કોઇ એક સિંહને રેડિયો કોલર લગાવ્યા હતા. આ સાથે બીટ લેવલે વનકર્મીઓને આધુનિક ઉપકરણોથી સજ્જ કરાયા હતા. તેમ છતા ગીરના જંગલમાં ખુલ્લેઆમ સિંહોનો શિકાર થઈ રહ્યો છે.