નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં દિવાળીની રાત્રિ રક્તરંજીત બની છે. શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ઇન્દિરાનગરમાં ઘરેલુ ઝઘડામાં પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તો સાથે બચાવવા ગયેલ એક મહિલા સહિત બેને ઇજા કરી હત્યારો પતિ નાસી છૂટ્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર શહેરમાં દિન દહાડે ઘરેલુ મારઝૂડ, મારામારીની ઘટનાઓ વધી રહી છે. લોકોને પોલીસ અને કાયદાનો જાણે કે ડર જ ખતમ થઈ ગયો હોય તેમ સરેઆમ હત્યાને અંજામ આપી રહ્યા છે. એવી જ એક ઘટના ભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક બની છે, એ પણ ખુશીઓના પર્વ દિવાળીની રાતે. ઇન્દિરાનગરમાં ઘરેલુ ઝઘડામાં પતિએ જ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.


ઈન્દિરાનગર માં રહેતા હિંમતભાઈ જોગદીયાના પત્ની દીપ્તિબેન ઉર્ફ દીપુબેન જોગદિયા ઘરેલુ ઝઘડાના કારણે છેલ્લા સાત વર્ષથી રિસામણે હતા, તેમજ થોડા મહિના પહેલા સમજાવટ બાદ માતા-પિતા પુત્રીને સાસરે મૂકી આવ્યા હતા. હિંમતભાઈ ને દિપ્તીબેનને સંતાનમાં એક સાત માસની બાળકી પણ છે. જે માતાની હત્યા થઈ જતા નોંધારી બની છે. દિવાળીનું પર્વ હોય પિયરમાં રહેલા દીકરીના ઘરેણાં આપવા માતા-પિતા પુત્રીના સાસરે ગયા હતા, એ દરમ્યાન જમાઈ હિંમતભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો, ત્યારે ઉશ્કેરાયેલા જમાઈ હિંમતભાઈએ પત્ની પર જેની દાઝ ઉતારતા તેના પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.



મરણતોલ ઘા લાગતા દિપુબેન સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બચાવવા જનાર અન્ય એક મહિલા લક્ષ્‍મીબેન માધવભાઈ બોરીચા તેમજ પ્રાગજીભાઈ તેજાભાઈ ગિલાતરને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવમાં આવ્યા હતા. દિવાળી ટાંણે જ મહિલાની હત્યા થઈ હતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. તો હત્યારો પતિ ત્યાંથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ પંચનામાની કાર્યવાહી કરી મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારા પતિને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


જોકે, પતિએ કરેલી હત્યાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પતિ કેવી રીતે ચાકૂ લઈને ધસી આવ્યો હતો, અને તેણે કેવી રીતે પત્નીને મોતને ઘાટ ઉતારી તે સ્પષ્ટ જોઈ શકાય છે.