આડા સંબંધની શંકામાં પતિએ કરી નાખી પત્નીની હત્યા, ત્રણ વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન
પતિ-પત્નીના સંબંધમાં એકબીજા પર વિશ્વા હોવો ખુબ જરૂરી છે. પરંતુ જ્યારે પતિ કે પત્ની એક-બીજા પર શંકા કરવા લાગે ત્યારે સંબંધો ખરાબ થવા લાગે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી જ્યાં પતિએ શંકાના આધારે પત્નીની હત્યા કરી દીધી.
રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના સમા વિસ્તારમાં શંકાશીલ પતિએ પત્ની હત્યા કરી નાખી છે. શંકાનું કોઈ સમાધાન નથી હોતું તેવી કહેવતને અનુરૂપ ઘટના વડોદરામાં બની છે. પતિએ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી છે.
શંકા નામનું ઝેર જ્યારે માણસના મનમાં ઘર કરી જાય ત્યારે તે ગમે તેવા સંબધને પણ નષ્ટ કરી નાખે છે. આજથી ત્રણ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર પતિ મનજીત ડીલોને પત્નીના આડા સબંધની શંકા રાખતો હતો. પતિ મનજીત ઘર જમાઈ તરીકે રહેતો હતો અને 12 તારીખે રાત્રે એકલતાનો લાભ લઇ પતિએ પત્નીને લોખંડના તાર વડે ટૂંપો આપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના છે વડોદરાના સમા વિસ્તારની ડિફેન્સ કોલોનીની. અહી રહેતી પૂર્ણિમા પ્રેમ લગ્ન કરીને પોતાના પિતાના ઘરમાં પતિ સાથે રહેતી હતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. સાથે નોકરી કરતા મિત્રો સાથે વાત કરતી હતી. તેના કારણે પતિ શંકા કરતો હતો અને જેના કારણે પત્નીની હત્યા કરી નાખી. પ્રથમ તો મૃતકના પરિવારને કુદરતી મોત હોવાનું લાગ્યું હતું. જોકે પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવતા મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જેના કારણે પોલીસે તપાસ કરતા ફરાર થયેલા પતિ પર શંકા ગઈ અને તેને શોધવામાં આવ્યો. તો મૃતકના સોનાના દાગીના પણ તેની પાસેથી મળી આવતા સમગ્ર હકીકત સામે આવી છે અને આરોપી મનજીત ડિલોનની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો- નકલી માર્કશીટના આધારે લીધું અસલી એડમિશન, VNSGUમાં 3 વર્ષમાં 62 છાત્રાઓ લીધો પ્રવેશ
આજથી 4 વર્ષ પહેલાં પ્રેમમાં પડી જેને પ્રેમ કર્યો તેજ તેની હત્યા કરશે તેવું ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તેવી પૂર્ણિમાને આજે પતિના કારણે દુનિયા છોડવી પડી છે અને પતિને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ત્યારે શંકાની કોઈ દવા નથી હોતી તે વાત આ કિસ્સાથી ફરી એકવાર પુરવાર થઈ છે.