શારીરિક સંબંધ બાંધવા માટે પત્ની સાથે મારામારી કરતો હતો હતો પતિ, ફરિયાદ બાદ પોલીસે કરી ધરપકડ
અમદાવાદ પોલીસે એક હેવાન પતિની ધરપકડ કરી છે. હવસનો ભૂખ્યો આ પતિ શારીરિક સંબંધ બાંધવા માટે પોતાની પત્ની સાથે મારામારી કરતો હતો. તેણે પોતાની પત્નીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદનાં ઓઢવમાં એક હેવાન પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ બાદ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં ઓઢવ પોલીસે પતિ આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી પતિ અવારનવાર શરીર સંબંધ બાંધવા બાબતે પત્નીને મારઝૂડ કરી ત્રાસ આપતો હતો.
ઓઢવ પોલીસની ગીરફ્તમાં દેખાતા આરોપીનું નામ રાજકુમાર કોળી છે. આરોપીએ તેની જ પત્નીની હત્યાનો પ્રયાસ કરતા ઓઢવ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઓઢવમાં રબારી વસાહતમાં રહેતા નવીનભાઈ કોળીની સગી બહેન ભારતીબેન કોળીની 20 વર્ષીય દિકરી કુમકુમે 6 મહિના અગાઉ ઉત્તરપ્રદેશનાં રાજકુમાર કોળી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ કુમકુમ તેના પતિ સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી. તેનો પતિ રાજકુમાર અવારનવાર તેની સાથે શરીર સંબંધ રાખવા બાબતે ઝધડા કરતો હતો. છેલ્લાં એક અઠવાડિયાથી ફરિયાદીના ઘરની સામેના મકાનમાં રૂમ રાખીને રહેવા આવ્યા હતા. 21 જુલાઈ 2024ના રોજ વહેલી સવારના આશરે 3 વાગે કુમકુમ મામાના ઘરે ગઈ હતી અને તેનો પતિ રોનક શરીર સંબંધ રાખવા બાબતે ઝધડો કરી માર મારે છે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ભાણીને પોતાના ઘરે રાખી હતી. સાંજના સમયે રોનક તેઓના ઘરે આવ્યો હતો અને સંજના સાથે ઝઘડો નહી કરુ તેમ કહીને સમાધાન કરી કુમકુમ ને લઈને રૂમ પર જતો રહ્યો હતો
રાતનાં સમયે મહિલા વ્રતનું જાગરણ હોવાથી ફરિયાદી પરિવાર સાથે જાગતા હતા. તેવામાં આશરે સવા અગ્યાર વાગે આસપાસ બુમાબુમ થતા અને ઝધડાનો અવાજ આવતા તેઓએ જોતા ભાણી કુમકુમના રૂમમાંથી અવાજ આવતો હતો. જેથી તેઓ ત્યાં પહોંચ્યા અને જોરથી ધક્કો મારીને દરવાજો ખોલી જોતા ભાણી કુમકુમને તેના પતિ રાજકુમારે તેના બે પગ વચ્ચે દબાવી તેનું ગળુ પકડ્યું હતું. જેથી ફરિયાદીએ ભાણીનું ગળુ છોડવાનું કહેતા છોડ્યું ન હતું. જે બાદ તેઓએ રાજકુમારનો હાથ ખેંચી ભાણીને છોડાવી હતી. તે વખતે તેઓએ જોતા રાજકુમારના હાથમાં ચપ્પુ હતુ અને કુમકુમને ગળા ઉપર ચપ્પુ માર્યું હોવાનું નજરે પડ્યું હતું. જેના કારણે કુમકુમને પુછતા તેણે પતિ રાજકુમારે ચપ્પુ માર્યું હોવાનું મામાને જણાવ્યું હતું
જે બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ડોક્ટરે તપાસ કરતા તેને શ્વાસ નળીમાં ઈજાઓ થઈ હતી, જેના કારણે તે બોલી શકતી ન હોવાનું જણાવ્યું હતું. અંતે આ સમગ્ર મામલે ફરિયાદી મામાએ ભાણીના પતિ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.