જળસમાધી કાર્યક્રમ ન કરવા માટે મને 50 લાખ અને લલિતભાઇને 1 કરોડની ઓફર થઈઃ હાર્દિક પટેલ
મહત્વનું છે કે લલિત વસોયા જળ સમાધી લે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
રાજકોટઃ ભાદર નદીમાં ઠલવાતા દુષિત પાણી મામલે ધોરાજીના MLA લલિત વસોયાએ આજે જળસમાધિ લેવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પાસ નેતા હાર્દિક પટેલ પણ જોડાયો હતો. પરંતુ સંબોધન બાદ લલિત વસોયા જળ સમાધી લે તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી હતી. ત્યારબાદ બંન્નેને ત્રણ-ચાર કલાક બાદ છોડી મુકાયા હતા. પરંતુ આ કાર્યક્રમ અંગે હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, કાર્યક્રમ ન યોજવા માટે પૈસાની ઓફર થઈ હતી.
હાર્દિક પટેલનો દાવો
હાર્દિક પટેલે આક્ષેપ કર્યો કે, જળસમાધિ કાર્યક્રમ ન કરવા માટે લલિતભાઇને 1 કરોડ અને મને 50 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર ભાજપના મળતીયા અને મિલ માલિકો દ્વારા કરવામાં આવી હતી. આ સાથે હાર્દિકે તેમ પણ કહ્યું હતું કે, મારી અટકાયત એટલા માટે કરી કે હું 25 ઓગસ્ટનો કાર્યક્રમ ન કરી શકું. આ સાથે હાર્દિકે કહ્યું કે, હું લલિતભાઇની સાથે જ ઉભો છું.
સ્ટેજ પર ભાદરના પાણીની બોટલો રાખવામાં આવી
કેમિકલ યુક્ત પાણી હોવાથી અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. કાર્યક્રમમાં સ્ટેજ પર ભાડર-2 ડેમના કેમિકલ યુક્ત પાણીની બોટલો ભરીને સ્ટેજ પર રાખવામાં આવી છે. તેમાં પાણીનો કલર અલગ દેખાઈ રહ્યો છે. આ પાણીથી ચામડીના રોગ થવાની શક્યતા રહે છે.
કોણ રહ્યું હાજર
લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.