IND Vs PAK: ભારત-પાક મેચ અંગે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, ખાસ જાણો
India Vs Pakistan World Cup Match Ahmedabad: ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની જે મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મુસાફરોના ધસારાના પગલે અમદાવાદ એરપોર્ટ તરફથી પણ મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
India Vs Pakistan World Cup Match Ahmedabad સપના શર્મા, અમદાવાદ: ભારતની મેજબાનીમાં રમાઈ રહેલા વર્લ્ડ કપ 2023ની જે મેચની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 14 ઓક્ટોબરે રમાનારી આ મેચ અંગે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસાફરોના ધસારાના પગલે અમદાવાદ એરપોર્ટ તરફથી પણ મુસાફરો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટે બહાર પાડી એડવાઈઝરી
અમદાવાદના સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં 14મી ઓક્ટોબરે યોજાનારી અત્યંત અપેક્ષિત ICC વર્લ્ડ કપ મેચને કારણે, અમે VIP અને મુસાફરોની અવરજવરમાં વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ. અમે SVPI એરપોર્ટ દ્વારા પરિવહન કરતા અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ એરપોર્ટ પર આવવા માટે વધારાનો સમય ફાળવે, જેથી આગળની મુસાફરી અગાઉથી ગોઠવી શકાય અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ માટે પૂરતો સમય મળે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર, અમારી ટીમો અમદાવાદમાં સુરક્ષિત અને કાર્યક્ષમ એર હબ સુનિશ્ચિત કરતી વખતે અમારા મુસાફરોની સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છે.
અત્રે જણાવવાનું કે આ મેચ અંગે અમદાવાદ શહેરમાં તમામ સુરક્ષા એજન્સીઓના લગભગ 11 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે. જેમાં કાઉન્ટર ટેરર ફોર્સ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સામેલ છે.