Big News From Government of Gujarat: સામાન્ય વરસાદ આવતાની સાથે જ ગુજરાતના મોટા ભાગના રસ્તાઓ પર ચોપડેલો ભ્રષ્ટાચારનો ડામર ઉખડવા લાગે છે. બે છાંટાં પડે એમાં તો નવા બનેલા રોડ-રસ્તા અને ઓવરબ્રિજની કપચીઓ, કોંક્રિંટ અને ડામર રસ્તા પર રમણ ભમણ થઈને ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ચોમાસામાં ઠેરઠેર ખાડા પડી જાય છે. મહાનગરોમાં વિકાસની વાતો વચ્ચે આખાને આખા ખટારા ખાડામાં ઉતરી જાય એવા મસમોટા મોતના ભૂવા ગમે રોડ પર પડતાં હોય છે. આ પરિસ્થિતિ આખા ગુજરાતની છે. ખાસ કરીને મહાનગરમાં આ સમસ્યા વધારે છે. જેને કારણે લોકોમાં સરકાર સામે ભારે આક્રોશ છે. આ રોષને ખાળવા માટે સરકારે લઈ લીધો છે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહાં હવેથી જો તમારા ત્યાં કોઈપણ રોડ-રસ્તો તૂટે, ખાડા પડે, ભૂવા પડે તો તમારે તરત જ તમારા ધારાસભ્યને પકડવાના. કારણકે, ગુજરાત સરકારે તમારા વિસ્તારમાં રોડ-રસ્તાના કામો માટે ધારાસભ્યોને ગ્રાન્ટ સિવાય વધારાના બબ્બે કરોડ રૂપિયા આપી દીધાં છે. એટલે હવે પબ્લિકે જરા દબાણ દઈને, કામનો હિસાબ માંગીને નેતાજી પાસે કામ કરાવવું પડશે, સરકારે તો તમારી સમસ્યાનું સમાધાન લાવવા તિજોરી ખોલીને તમારા ધારાસભ્યોને બબ્બે કરોડ રૂપિયા આપી દીધાં છે. 


ધારાસભ્યોને મળે છે કેટલી ગ્રાન્ટ?
દરેક ધારાસભ્યોને દર વર્ષે પોતાના વિસ્તારના વિકાસ કામો માટે દોઢ-દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. જેમાં રોડ-રસ્તા સિવાયનો કામો કરવાનો હોય છે. ત્યારે હવે રોડ-રસ્તા માટે પણ સરકારે મહાનગરપાલિકાઓ એટલેકે, શહેરી વિસ્તારોના ધારાસભ્યોને વધારાના બબ્બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આ રીતે જોવા જઈએ તો હવે શહેરી વિસ્તારના ધારાસભ્યો પાસે દર વર્ષે વિસ્તારના વિકાસકામો અને રોડ-રસ્તાની મરામત માટે કુલ મળીને સાડા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકારે ફાળવી દીધી છે. જોવાનું એ રહે છેકે, આટલા બધા રૂપિયા સરકાર લોકોની સુવિધા અને સુખાકારી માટે ધારાસભ્યને ગ્રાન્ટ તરીકે ફાળવે છે તો એમાંથી કામ કેટલું થાય છે...?


કોને-કોને ફાળવાઈ છે વધારાની ગ્રાન્ટ?
રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી...મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડરસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂરી કરવામાં આવી


રોડ-રસ્તા માટે કુલ કેટલી ગ્રાન્ટ ફાળવાઈ છે?
મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને મળશે કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ દ્વારા ફાળવાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.


મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ શહેરીજન સુખાકારીની વૃદ્ધિ કરતા નિર્ણયને પરિણામે મહાનગરોમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનનું ત્વરાએ મરામત કાર્ય હાથ ધરી શકાશે. એટલું જ નહીં, માર્ગોની સુધારણા, મજબૂતીકરણને પરિણામે અર્બન મોબોલિટીમાં પણ સુગમતા રહેશે. મહાનગરપાલિકાઓએ સંબંધિત ધારાસભ્યઓના પરામર્શમાં રહીને આ ગ્રાન્ટમાંથી કામો હાથ ધરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.


'ગુજરાત સરકારમાં દલાતલવાડી જેવો વહિવટ ચાલે છે'
રોડ-રસ્તા મુદ્દે ગ્રાન્ટ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રોડ રસ્તાની ગ્રાન્ટ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યુંકે, ગુજરાત સરકારમાં દલાતલવાડી જેવો વહિવટ ચાલે છે. પહેલા રોડ બનાવવા માનીતાઓને કોન્ટ્રાક્ટ પછી રોડ માં ખાડા પડે અને રીપેરિંગ માટે ખર્ચ કરવાના. નવા રોડ બનાવવા ૨-૨ કરોડ આપે છે. ગુજરાતની જનતાના ટેક્સ ના પૈસા છે જે સરકારી તિજોરીમાં છે. રોડ રસ્તા પહેલા જ વરસાદ માં ધોવાય તો જવાબદાર સામે પગલાં લેવાવા જોઈએ. બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર ને ફરી કોન્ટ્રાક્ટ મળે છે. કોન્ટ્રાક્ટપ હલકી ગુણવત્તા ના રસ્તા બનાવે છે. સરકાર નવી રકમ આપી રસ્તા બનાવે છે. સરકાર ગ્રાન્ટ આપવા કરતા રસ્તા શા માટે તુટે છે અને જવાબદાર કોણ તે નક્કી કરે.અધિકારી કે જવાબદાર ના નામ નક્કી કરી રકમ વસુલ કરવી જોઈએ મિલકત જપ્ત કરી હરાજી કરવી જોઈએ.