સુરતમાં રાત્રિના સમયે મોબાઇલ પર વાત કરતાં હોય તો ચેતી જજો, મોબાઇલ લઇ શકે છે જીવ
પ્રાથમિક તપાસ કરતા પોલીસને આકાશના ખિસ્સામાંથી એક કાર્ડ અને પર્સ અને વીંટી મળી આવ્યા હતા. જ્યારે તેનો મોબાઈલ ગાયબ હતો.
ચેતન પટેલ, સુરત: સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ મોડી રાત્રે મોબાઇલની લૂંટ કરીને હત્યાની ઘટના બની હતી. જેમાં મોબાઈલની લૂંટ કર્યા બાદ હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અન્ય બે મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વસુંધરા ઇન્ડસ્ટ્રીઝની સામે 5 ઓક્ટોબરની રાત્રે આકાશ નામના ઇસમની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મૃતક ઇસમ એક ખાનગી હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. આકાશ પોતાની નોકરી પતાવીને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસ કરતા પોલીસને આકાશના ખિસ્સામાંથી એક કાર્ડ અને પર્સ અને વીંટી મળી આવ્યા હતા. જ્યારે તેનો મોબાઈલ ગાયબ હતો.
આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે બાતમી મળી હતી કે, વરાછા વિસ્તારમાં થયેલી હત્યાની ઘટનામાં આરોપીઓ પાંડેસરા ભેદવાડની સામે પ્રમુખ પાર્ક ઓવર બ્રિજના નાકા પાસેથી પસાર થવાના છે, જેથી પોલીસે બાતમીના આધારે જગ્યા પરથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને આરોપીઓના નામ ધીરજ પ્રજાપતિ અને અભયસિંગ છે. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે તેઓ પલ્સર મોટરસાયકલ પર સુરતના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે મોબાઇલ ફોન ઉપર વાત કરતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લેતા હતા. આ ઉપરાંત એકાંત રસ્તા ઉપર આવતા જતા એકલદોકલ રાહદારીને રોકી ચપ્પુ બતાવી તેમના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની લૂંટ કરી લેતા હતા.
આરોપીઓએ કબુલાત કરી હતી કે, આ ઘટનાને અંજામ આપતા પહેલા તેમણે પુણા કુંભારિયા રોડ પાસે આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે એક રાહદારીને રોકીને મોબાઇલની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ સુમુલ ડેરી રોડ શાંતિ મંગલમ હોલ સામે એક મહિલા રાહદારી પાસેથી મોબાઇલ ઝુંટવી લીધો હતો. અને આખરે તેઓ વસુંધરા ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યા હતા અને જ્યાં એક રાહદારીનો મોબાઇલ ઝૂંટવા માટે ચપ્પુ બતાવ્યું હતું. પરંતુ રાહદારીએ પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ રાહદારીના પેટમાં મારી હત્યા કરી નાખી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂપિયા 30,000ના ત્રણ મોબાઇલ અને ગુનામાં વપરાયેલ પલ્સર મોટર સાઇકલ કબજે કરી છે.
પકડાયેલ આરોપી દ્વારા આ હત્યા ઉપરાંત વધુ બે ગુનાની કબૂલાત કરી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ આરોપીઓ એ અન્ય વધુ ગુનાઓ આચર્યા છે કે કેમ તે દિશા માં પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.