ગલગોટાની ખેતી કરી હોય તો આ સમાચાર વાંચી લેજો, ખેડૂતો માટે આ વર્ષ કપરું સાબિત થશે!
ગલગોટા ફૂલની ખેતી માટે સમગ્ર રાજ્યમાં ફ્લાવર વિલેજ તરીકે નામના પામેલા હાલોલ તાલુકાના અરાદ ગામના ફૂલોની ખેતી કરતા ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર એવી કરોડોની કમાણી દિવાળીના તહેવારોમાં જ કરી લેતા હતા.
જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: દરેક નવું વર્ષ નવી આશા અને અપેક્ષાઓ લઈને આવતું હોય છે. આવનાર નવું વર્ષ અગાઉ કરતા પણ ખૂબ સુખ સમૃદ્ધિવાન નીવડે તેવી પ્રાર્થના પણ આજના જ દિવસે લોકો કરતા હોય છે, ત્યારે હાલનું નવું વર્ષ પંચમહાલના ફ્લાવર વિલેજ તરીકે નામના પામેલા અરાદ ગામના ખેડૂતો માટે કપરું સાબિત થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.
તહેવારો અને શુભ અશુભ પ્રસંગોમાં પૂજા વિધિ અને હાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ગલગોટા ફૂલની ખેતી માટે સમગ્ર રાજ્યમાં ફ્લાવર વિલેજ તરીકે નામના પામેલા હાલોલ તાલુકાના અરાદ ગામના ફૂલોની ખેતી કરતા ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર એવી કરોડોની કમાણી દિવાળીના તહેવારોમાં જ કરી લેતા હતા. પરંતુ આ વખતે મબલક ફૂલોનું ઉત્પાદન થયું હોવા છતાં માર્કેટમાં ભાવ ખૂબ જ ઓછો મળતા ખેડૂતોને નવા વર્ષે જ મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
કેસર અને લેમન જાતના ગલગોટાનું અરાદના 150 ઉપરાંત ખેડૂતોએ ભેગા મળી 200 વિઘા જમીનમાં ખેતી કરી હતી. એક વીઘામાં અંદાજે 30 હજાર ખર્ચ થાય છે અને એક વિઘામાંથી 1200 કિલો જેટલા ફૂલનો ઉતારો થાય છે. ખેડૂતોને નવરાત્રીથી લઇને અત્યાર સુધી 5 થી લઈને 20 રૂપિયા કિલો ફૂલ વેચવાનો વારો આવ્યો છે એટલે સીધી રીતે જ એક વિઘા ફૂલોની ખેતીમાં અંદાજે 6 થી 10 હજાર જેટલું દેખીતું નુકશાન જઈ રહ્યું છે. જો કે હાલ માર્કેટમાં ખેડૂતો 27 રૂપિયાના ભાવેથી વેચાણ થતા ખેડૂતોને નુકશાનીની થોડી ઘણી ભરપાઈ થઈ છે.
અરાદ ગામના ફૂલો સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ભરૂચ સહિત મુંબઈ સુધી વેચાણ અર્થે જાય છે. ગત વર્ષે આજ ફૂલોની ખેતીમાંથી અરાદના ખેડૂતો 2 કરોડ ઉપરાંત આ ગલગોટાંના વેચાણથી કમાયા હતા. પરંતુ આ વખતે વરસાદી નુકશાનના કારણે સમયસર ઉત્પાદન થઈ નહોતું શક્યું, ત્યારે પડતા પર પાટુ હોય એમ ફુલોના વેચાણમાં દલાલી ખેડૂત પર લગાવવામાં આવતી હોવાથી વેચાણભાવમાં પણ ખેડૂતોને સીધું નુકશાન વેઠવાનો વારો આવે છે.
ફૂલોની ખેતી થકી નામના પામેલા અરાદ ગામના ખેડૂતો હવે માંગણી કરી રહ્યા છે કે જેમ અન્ય ખેત ઉત્પાદનના ટેકાના ભાવો જાહેર કરવામાં આવે અને ભાવ નિર્ધારણ કરવામાં આવે છે તેવું ફૂલોની ખરીદી માટે પણ કરવામાં આવે અને દલાલી જે ખેડૂત પર લાગે છે તે વેપારી ઉપર લગાવવામાં આવે. જેથી ખેડૂતોને વેચાણ ભાવ યોગ્ય રીતે મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube