શું ભાદરવાની ગરમી વચ્ચે રાજ્યમાં હજુ પડશે વરસાદ? હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કરી આગાહી
ગુજરાતમાં અત્યારે લોકો ભાદરવાની ગરમી સહન કરી રહ્યાં છે. વરસાદે છેલ્લા એક દ સપ્તાહથી વિરામ લેતા તાપમાન સતત વધી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની આગાહી કરી છે.
અમદાવાદઃ રાજ્યમાં ભાદરવા મહિનામાં એક તરફ લોકો ગરમીનો સામનો કરી રહ્યાં છે. પરંતુ હજુ ચોમાસાએ વિદાય લીધી નથી. ભલે અત્યારે ગરમી પડતી હોય પરંતુ હજુ વરસાદ પડવાની સંભાવના છે. આ વચ્ચે રાજ્યના હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. રાજ્યમાં આ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદની સંભાવના છે.
શું છે આગામી બે દિવસની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદ રહેશે. તેમણે કહ્યું કે 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં 44 ટકા વધુ વરસાદ પડ્યો છે. બીજીતરફ ભાદરવો મહિનો હોવાને કારણે ઉકળાટ સહન કરવો પડશે.
હવામાન વિભાગે કહ્યું કે અમદાવાદમાં 32 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ભાદરવા મહિનામાં 34થી 35 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. એટલે કે એક તરફ લોકોએ ગરમી સહન કરવી પડી શકે છે તો ક્યાંક વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ BJP ના સદસ્યતા અભિયાન પર ફરી વિવાદ, ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ બની ગયા ભાજપના સભ્ય
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.
હાવ ગુજરાતમાં ભાદરવાનો તાપ વરસી રહ્યો છે અને વરસાદ ગાયબ થયો છે. ત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને હવે વરસાદ નહિ આવે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય નથી થઈ. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા છે.