ZEE 24 Kalak ના રિયાલિટી ચેકની મોટી Impact, આરોગ્ય વિભાગ દોડતું થયું, અધિક મુખ્ય સચિવે આપ્યો જવાબ
Impact Of ZEE 24 Kalak Reality Check : દર્દીઓની સુવિધા માટે રાત્રે આઠ વાગ્યા સુધી OPD સેવા ચાલુ રાખવાના સરકારી દાવા પોકળ... મહાનગરોની હૉસ્પિટલમાં પણ દર્દીઓને નથી મળી રહ્યો એકસ્ટ્રા ઓપીડીનો લાભ... ઝી 24 કલાકના અહેવાલ બાદ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે આપ્યા તપાસના આદેશ....
Impact Of ZEE 24 Kalak Reality Check રવિ અગ્રવાલ/વડોદરા : દર્દીઓની સુવિધા માટે સરકારી હોસ્પિટલોમાં રાત્રે આઠ વાગ્યા સુધી OPD સેવા ચાલુ રાખવાના સરકારી દાવા સાબિત પોકળ સાબિત થયા છે. મહાનગરોની હૉસ્પિટલમાં પણ દર્દીઓને એકસ્ટ્રા ઓપીડીનો લાભ નથી મળી રહ્યો. ZEE 24 કલાકે સ્ટિંગ ઓપરેશન કરીને સરકારી તબીબોની લાલિયાવાડીની પોલ ખોલી છે. અમે ઊંઘતા અધિકારીઓ સામે આ હકીકત લઈ આવ્યા કે, સાંજે 5 વાગ્યા બાદ તબીબો હોસ્પિટલમાંથી ગાયબ રહે છે. ત્યારે ZEE 24 કલાકની સમાજ પ્રત્યેની કામગીરીને કોંગ્રેસે બિરદાવી છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે તપાસના આદેશ આપ્યા છે.
ઝી 24 કલાકના અહેવાલ બાદ તંત્ર જાગ્યું
તો બીજી તરફ, સરકારી હોસ્પિટલોમાં તબીબોની હાજરીને લઈને આરોગ્ય વિભાગ ઊંઘતુ ઝડપાયું છે. તબીબો ગેરહાજર છે તે દર્દીને દેખાય છે, પરંતું અધિકારીઓ અને આરોગ્ય વિભાગને દેખાતુ નથી. રાજ્ય સરકારે મોટા પાયે જાહેરાત કરી હતી, જેમાં OPDનો સમય 6 કલાકનો હતો તે વધારીને 8 કલાક કરવામાં આવ્યો હતો. પરંતુ 5 વાગ્યા બાદ દર્દીઓ ભગવાન ભરોસે હોય છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ જાગ્યા હતા.
કડકાઈથી પાલન કરીશું - મનોજ અગ્રવાલ
અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે, લાંબાગાળા પછી આ નિર્ણય સરકારે લીધો એટલે ધીમે ધીમે હોસ્પિટલ સેટ થઇ રહી છે. ટેકનોલોજીની મદદથી હોસ્પિટલમાં બધું મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટિંગ ઓપરેશન મામલે તપાસ કરાવીશું. રાજ્ય સરકાર મક્કમ છે નિર્ણયનો અમલ હોસ્પિટલમાં થવો જ જોઈએ. સ્ટિંગ ઓપરેશન મામલે તપાસ કરી કાર્યવાહી કરીશું. રાજ્ય સરકાર હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ અને ડીનને નિર્ણયનું પાલન કરાવવા કડકાઈથી સૂચના આપશે.
હોસ્પિટલમાં તબીબોની લાલીયાવાડી પર કોંગ્રેસની પ્રતિક્રિયા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનનો મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા નરેન્દ્ર રાવતે કહ્યું કે, ઝી 24 કલાકનું સ્ટિંગ ઓપરેશન એ સરકારી હોસ્પિટલની વાસ્તવિકતા છે. સયાજી હોસ્પિટલમાં OPD 8 વાગ્યા સુધી ચાલુ હોવી જોઈએ. OPDમાં ફરજિયાત સિનિયર તબીબો અને HOD એ બેસવું જોઈએ. પરંતુ કેટલાક સિનિયર તબીબો અને HOD ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પણ શિફ્ટ કરતા હોવાની માહિતી છે. સરકારે આવા ગુલ્લીબાજ તબીબો સામે કાર્યવાહી કરવી જોઈએ. સરકારી હોસ્પિટલની પોલ ખોલવા બદલ ઝી 24 કલાકની ટીમને અભિનંદન.