ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. જેમાં કલેકટર ડીડીઓ કોંફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેકટર ડીડીઓના કલાસ લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓને ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક કરવા ટકોર
અધિકારીઓને ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ અને લોકસંપર્ક કરવા ટકોર કરી છે. એટલું જ નહીં, કોઈ જિલ્લાઓની રજુઆત ગાંધીનગર સુધી ન આવે તેવી કામગીરી કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું છે. સરકારના પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ-અલગ અર્થઘટન ન થાય તેની તાકિદ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન પર ભાર મૂકવા સીએમે ટકોર કરી છે. પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો કરવા પણ કલેકટર અને ડીડીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે.



જિલ્લાઓની રજુઆત ગાંધીનગર સુધી ન આવે તેવી કામગીરી કરો!
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા-મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બેય છે. આ માટે લોકસંપર્ક વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા અધિકારીઓને ફિલ્ડ વિઝીટ માટે તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું કે, ફિલ્ડ વિઝીટમાં લોકોની રજૂઆતો- ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવા સાથોસાથ જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓના વ્યવહાર વર્તનનો ફીડબેક મેળવી સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈએ.


ઝિરો ટોલરેન્સ અગેઈન્સ્ટ કરપ્શન પર ભાર મૂકવા સીએમની ટકોર
ભૂપેન્દ્ર પટેલે એ લોક પ્રશ્નોના ત્વરિત નિરાકરણની તથા ઉચ્ચ કક્ષાથી લઈને સામાન્ય માનવીની રજૂઆતોના યોગ્ય જવાબ મળે તેવી સુદ્રઢ વ્યવસ્થા જિલ્લા સ્તરે જ ઊભી થાય અને ‘સ્વાગત’માં આવવું જ ન પડે તેવી સ્થિતીનું નિર્માણ કરવા પણ કલેકટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “ઝિરો ટોલરન્સ અગેઈન્સ્ટ કરપ્શન”નો નિર્ધાર દોહરાવતા કહ્યું કે વિકાસના રોલ મોડલ એવા આપણા ગુજરાતના વધુ ઉન્નત અને વૈશ્વિક વિકાસમાં આડે આવતું આ કરપ્શન ૧૦૦ ટકા દૂર કરવું જ પડે, નિંદામણ કરી નાખવું પડે એમ તેમણે માર્મિક ટકોર કરતા ઉમેર્યું હતું.


પારદર્શિતા અને પ્રમાણિક્તાથી લોકહિત કામો કરવા સૂચના
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, સરકારના પરિપત્રો નિયમોનું અલગ અલગ અર્થઘટન જિલ્લાઓમાં થવું ન જોઈએ જો કોઈ કામ નિયમાનુસાર ન થાય તેવું હોય તો તેના સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, વ્યવસ્થા સ્થાયી છે કોઈ વ્યક્તિ કે તેનું પદ સ્થાયી નથી, એટલે સેવાકાળ દરમિયાન જનહિતના કામો પારદર્શિતા અને 100 ટકા પ્રમાણિકતાથી કરીને પદની ગરિમા-સ્ટેટસ ઊંચું લાવવાનો વિચાર જ પ્રાથમિકતા હોવો જોઈએ.


વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ તૈયાર!
મહત્વનું છે કે ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં જિલ્લાના વડા તરીકે કલેકટર-ડી.ડી.ઓ. અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે તેમ મુખ્યમંત્રીએ સૌને એ માટે બિરદાવતા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ તૈયાર થયેલો છે તેનાં સુચારુ અમલથી ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત બને તેવી સંકલ્પના અને કાર્યદક્ષતા જિલ્લાની ટીમના વડાઓએ દાખવવાની છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી કલેકટર-ડી.ડી.ઓ. કોન્ફરન્સ જિલ્લાઓમાં કરવાનું પ્રેરક સૂચન કરતા કહ્યું કે આના પરિણામે જિલ્લાના સમગ્રતયા વિકાસથી રાજ્ય સરકાર અને અન્ય જિલ્લા અધિકારીઓ ભલિ ભાંતિ પરિચિત પણ થશે. આ એક દિવસીય પરિષદમાં મહેસુલ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની લોકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં જિલ્લાઓની કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.