અમદાવાદ : શહેરમાં રવિવારના દિવસે જ મેઘરાજા મનમુકીને વરસી પડ્યાં હતા. પુર્વ હોય કે પશ્ચિમ શ્રીકાર વર્ષા થઇ હતી. 2 થી લઇને 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પુર્વમાં ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવા લાગ્યા હતા. જોતજોતામાં સામાન્ય પાણી ભરાવાથી માંડીને ઢીંચણ સુધી અને અમદાવાદમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં તો છાતીસમા પાણી ભરાયા હતા. હાટકેશ્વરમાં ખુબ જ પાણી ભરાયું હતું. હાટકેશ્વર સર્કલ ત્રણ દિવસમાં બીજી વાર બેટમાં ફેરવાયું હતું. ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડના બ્લોકો અને સર્વોદયનગરમાં નાગરિકોના ઘરમાં પાણી ભરાવાનું શરૂ થઇ ગયું હતું.


અમદાવાદ શહેરમાં સરેરાશ 4.5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. પાલડીમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉસ્માનપુરા અને બોડકદેવમાં 8-8 ઈંચ વરસાદ, મક્તમપુરા અને જોધપુરમાં 7.5 ઈંચ વરસાદ, બોપલ અને ગોતામાં 6-6 ઈંચ, સરખેજમાં 5 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણિનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર
રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી થઇ હતી. નીચાણવાળા વિસ્તારોના લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. મીઠાખળી, મકરબા, પરિમલ, વેજલપુર અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube