બુરહાન પઠાણ, આણંદ: વાસદ પાસે આવેલી બે હોટલોના સંચાલકો સહિત અનેક હોટલો અને ટ્રાન્સપોર્ટ માલિકોને ફોન કરી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા શખ્સને વાસદ પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા અસંખ્ય ઠગાઈના ગુનાઓનો ભેદ ખુલ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસદ પાસે આવેલી હરિઓમ દાલબાટીના માલિક ગૌતમભાઈ પટેલ અને કિસ્મત હોટલના માલિક જયરામભાઈ પરમારને મોબાઈલ ફોન પર અજાણી વ્યક્તિએ ફોન કરી પોતાની પીએસઆઇ તરીકે ઓળખ આપી હોટલમાંથી ગ્રાહક ભોજનનું પાર્સલ લઈ ગયો હતો. તેમાંથી રબ્બડ નીકળ્યું હોઈ ફરિયાદ નહીં નોંધવા માટે 1500 રૂપિયાની માંગણી કરતા હોટલ માલિકોને શંકા જતા તેમણે વાસદ પોલીસ મથકે જાણ કરી હતી. વાસદ પોલીસે ફોન કરનાર અજાણી વ્યક્તિનો નંબર ટ્રેસ કરતા ફોન કરનાર શખ્સ વાસદની રિલેક્ષ હોટલ પાસે હોવાનું લોકેશન મળતા પોલીસે છાપો મારી સુરતના અમરોલીના વિકાસસિંગ સુરેન્દ્રસિંગ રાજપૂતને ઝડપી લીધો હતો.


આરોપી વિકાસસિંગ અલગ-અલગ હોટલ માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકોને પોલીસનાં નામે ખોટા ફોન કરી કેસ નહીં કરવા અને ફરિયાદીને વળતર રૂપે રકમ પેટીએમથી ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો. વિકાસસિંગ અલગ-અલગ હોટલોમાં રોકાણ કરી ખાણીપીણીની હોટલોમાં ઓનલાઈન તેમજ રૂબરૂ જઇ માલિકોનાં નંબર મેળવી ત્યારબાદ ગ્રાહકના પાર્સલમાં રબ્બર નીકળ્યું છે અને તે ફરિયાદ આપવા પોલીસ મથકમાં આવ્યો હોવાથી પોતાની ઓળખ પીએસઆઇ તરીકે આપી ફરિયાદ નહીં કરવા માટે ગ્રાહકના ખર્ચ પેટે રકમ પેટીએમથી પોતાના પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો.


તેમજ હાઇવે પર બેસીને પસાર થતી ટ્રક અને અન્ય વાહનો પર લખેલા વાહન માલિકોના નંબર મેળવી ફોન પર પીએસઆઇ તરીકે ઓળખ આપી તમારી ટ્રકએ સાયકલને ટક્કર મારી છે અને સાયકલવાળો તમારા વાહનનો નંબર લઈ ફરિયાદ કરવા આવ્યો છે તેમ કહી તેના ખર્ચ પેટે 1500 થી 2000 રૂપિયાની રકમ પોતાના પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરતો હતો.


આરોપી વિકાસસિંગએ અમદાવાદ વડોદરા, ખેડા, આણંદ, સુરત અને ઉત્તરપ્રદેશમાં 300 થી વધુ લોકો સાથે ઠગાઈ કરી સાડા ત્રણ લાખથી વધુની ઠગાઈ કરી છે. તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશનાં ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટ માલિકો પાસેથી નાણાં પડાવેલા હોવાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને દસ હજાર રૂપિયા રોકડા મળી 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube