અમદાવાદ : ગુજરાતમાં આજે હાઇકોર્ટ દ્વારા ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પીઆઇએ હિયરિંગ દરમિયાન જ કોલ્ડડ્રીંક પીધું હતું. ગુજરાત હાઇકોર્ટનાં જજે આ અંગે આકરી ટીપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન પીઆઇએ કોલ્ડડ્રીંક પીધું હતું. અગાઉથી જ હાઇકોર્ટ પોલીસની ઝાટકણી કાઢી ચુકી હતી. જે દરમિયાન પીઆઇએ આ ભુલ કરતાની સાથે જ કોર્ટે પીઆઇનો ઉધડો લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છેકે, ટ્રાફીક નિયમોના ભંગ બદલ એક મહિલાને માર મારવા ઉપરાંત રાત્રે ધરપકડ કરીને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવા બદલ હાઇકોર્ટે પોલીસ વિભાગની ઝાટકણી કાઢી હતી. આ દરમિયાન પી.આઇ એ.એમ રાઠોડે સોફ્ટડ્રીંક પીતા પીતા લોગઇન કર્યું હતું. જે બાબતે સરકારી વકીલનુ ધ્યાન દોરીને હાઇકોર્ટનાં જજે આકરી ઝાટકણી કાઢી હતી. જજે કહ્યુ કે, કોર્ટમાં હાજર હોત તો પણ આ પી.આઇ આ પ્રકારે જ સોફ્ટડ્રીંક પીધું હોત. ખીજાયેલા હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસે તેમને કોકાકોલા રાઠોડ કહ્યા હતા. 


સામાન્ય ટ્રાફીક નિયમ તોડવા બદલ એક મહિલાને માર મારવાના મુદ્દે ટ્રાફિક પોલીસ સામે તિરસ્કારની કાર્યવાહી ચાલી રહી હતી. દરમિયાન આ ઘટના બનતા આખરે સરકારી વકીલે જજની માફી માંગવી પડી હતી. તેમણે કહ્યું કે, આ કેસ મુદ્દે પહેલાથી જ પીઆઇ ચિંતામાં છે. તો હાઇકોર્ટ જજે કહ્યું કે, હવે તેઓ વધારે મુશ્કેલીમાં મુકાશે. તેઓ અધિકારીને છોડશે નહી. 


અત્રે ઉલ્લેખનીય છે કે, આ સુનાવણીમાં પોલીસવડા પણ હાજર હતા. જજે તેમણે પોલીસના આચરણ પર નારાજગી વ્યક્ત કરી હતી. કમિશ્નરની ઝાટકણી કાઢતા જજે કહ્યું કે, આવી ઘટનાના કારણે જ તમારા સમગ્ર પોલીસ સ્ટાફનું નામ બદનામ થાય છે. નાગરિકોનાં મગજમાં ગેરસમજ ઉભી થઇ રહી છે. સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલ તો કોર્ટે આ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરીને અહેવાલ માંગ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube