સુરત : કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેનાથી પણ વિચલિત કરતી બાબત એ છે કે, સેંકડો લોકો ઉભા હતા અને તમાશો જોઇ રહ્યા હતા પરતુ કોઇ યુવતીને બચાવવા માટે આગળ આવ્યું નહોતું. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને આજે યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવતીના મોટા બાપાએ આ બાબતે આજે ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતી પર આક્રમક બનીને યુવતીના પરિવાર અને સેંકડો લોકોની સામે જ ગળુ કાપીને તેની હત્યા કરી નાખી હતી. યુવતી ગળું કપાયેલી અવસ્થામાં જ તડપતી રહી અને મદદ માટે બુમો પાડતી રહી પરંતુ કોઇ તેની મદદે આવ્યું નહોતું. યુવતીનો ભાઈ છોડવવા માટે જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.


જનુની યુવક આટલેથી અટક્યો નહોતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવકે ઝેરની ગોળી ખાઇ લીધી હતી. પોલીસ આવતાની સાથે જ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેના તમામ પ્રયાસો નિષ્ફળ કર્યા હતા. હાલ તો યુવકની ધરપકડ કરી આગળની તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube