* ચોમાસા પહેલા પાણી સંગ્રહ માટે મનરેગા હેઠળ કામ શરૂ
* રાજકોટ જિલ્લાના મોટી મારડ ગામે 
* મનરેગા અંતર્ગત હાથ ધરાયું તળાવ ઉંડુ કરવાનું કાર્ય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવ દવે/રાજકોટ : કોવીડ-૧૯ની મહામારી અન્વયે દેશ અને રાજયભરમાં આંશિક લોકડાઉન અમલી બનતાં અર્થતંત્ર મંદ પડી ગયું હતું. પરંતુ રાજય સરકાર ના ત્વરિત અને તબકકાવાર નિયંત્રણોમાં છુટછાટ સાથે ઔદ્યોગિક અને અન્ય વ્યાપારીક પ્રવૃત્તિઓને શરૂ કરવામાં આવતાં અર્થતંત્ર પુનઃ ધબકતું થયું છે. રાજકોટ જિલ્લામાં સુજલામ - સુફલામ જળ અભિયાન - ૨૦૨૧ અન્વયે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ‘મનરેગા’ હેઠળ ગ્રામિણ શ્રમિકો દ્વારા તળાવ ઉંડા કરવામાં આવી રહયાં છે. હાલ રાજકોટ જિલ્લામાં ૮ તાલુકામાં કુલ મળીને ૨૩૦૦ થી વધુ ગ્રામીણ શ્રમિકોને ‘મનરેગા’ હેઠળ રોજગારી અપાઇ રહી છે.  
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું આવું જ એક ગામ છે મોટી મારડ, જયાં સરપંચ - તલાટી અને ગામ આગેવાનોના પ્રયાસોથી ‘મનરેગા’ યોજના હેઠળ તળાવ ઉડું કરવાનું કાર્ય કરવામાં આવી રહયું છે. 


ગ્રામીણ વિસ્તારમાં પણ ખેડૂતોની જણસોના વેંચાણ, કૃષિકાર્ય અને લઘુઉદ્યોગો સાથે ‘મનરેગા’ જેવી વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થયો છે.
કોરોનાના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા શ્રમિક પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘મનરેગા’ યોજના અંતર્ગત કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. 


88 શ્રમિકો મનરેગામાં રોજગારી મેળવવા જોડાયા
મોટી મારડ ગામમાં ચીખલીયા રોડ ઉપર સુખનાથ મંદિર પાસે આવેલ તળાવને ‘મનરેગા’ હેઠળ છેલ્લા સાત દિવસથી ઉંડુ કરવામાં આવી રહયું છે. આ કામમાં ગામના ૮૮ જેટલા શ્રમિકો જોડાયા છે. પરમાર્થ સાથે રોજગારીની ઉત્તમ તક સમાન ‘મનરેગા’ હેઠળ તળાવ ઉંડા કરવાનું કામ મળવાથી ગ્રામીણ શ્રમિકોમાં પણ હર્ષ સાથે ઉત્સાહનો સંચાર થયો છે. 


આરોગ્ય કેમ્પ કર્યા, છાસ, આઈસ્ક્રીમનું વિતરણ
‘મનરેગા’અંતર્ગત ચાલતા આ કામના મસ્ટર કલાર્ક વિપુલ પરમાર જણાવે છે કે, ગત શનિવારથી આ ગામમાં ‘‘મનરેગા’’ અંતર્ગત કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હાલમાં ૮૮ જેટલા શ્રમિકો કામ કરી રહયાં છે. આ તમામ શ્રમિકો કોવીડ - ૧૯ ની માર્ગદર્શિકાને ધ્યાને લઈ તળાવ ઉંડુ કરવાના કાર્યમાં જોડાયા છે. ગત વર્ષે પણ કોરોનાની મહામારીમાં જ્યારે આ ગામમાં ‘‘મનરેગા’’ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો હતો. અને શ્રમિકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તેવી જ રીતે આ વખતે પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના આગેવાનો - સેવાભાવી લોકો દ્વારા પણ સમયાંતરે આ કામ ઉપર શ્રમદાનનું કાર્ય કરતાં શ્રમિકોને છાસ, આઈસ્ક્રીમ તેમજ નાસ્તાનું વિતરણ પણ કરે છે.      


ઘર આંગણે જ રોજગારી અપાઈ
કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં ગરીબ પરિવારોને ઘરઆંગણે રોજગારી પુરી પાડવાની સાથે જળસંચયના કાર્ય દ્વારા રાજ્ય સરકારે સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube