ગજબ કહેવાય....હાલ જે ભાજપનું સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે તેમાં તો કઈક એવું જોવા મળ્યું કે રાજકોટમાં આંખના ઓપરેશન માટે હોસ્પિટલમાં આવેલા દર્દીઓને જ ભાજપે સદસ્યો બનાવી દીધા. એ જોતા એવું લાગી રહ્યું છે કે સદસ્ય અભિયાનમાં આડેધડ સભ્યોની નોંધણી થઈ રહી છે. રણછોડદાસ આશ્રમનો ભાજપે સભ્ય નોંધણી માટે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મોતીયો ઉતારવા ગયેલા લોકો સાથે આ ઘટના ઘટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
મળતી માહિતી મુજબ જૂનાગઢના એક દર્દી કમલેશ ઠુમરે વીડિયો બનાવીને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. મોતીયો ઉતારવા ગયેલા લોકો સાથે આ ઘટના બની. કમલેશભાઈ ઠુમર પોતે જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહે છે અને મોતિયો ઉતરાવવા માટે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ગયા હતા. મધરાતે ઉંઘમાંથી ઉઠાડી દર્દીઓ પાસે થી મોબાઈલ નંબર અને OTP માંગી ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા. દર્દીઓને એમ લાગ્યું કે હોસ્પિટલના કર્મચારી છે એટલે તેમ સમજી OTP આપ્યા અને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા. રાત્રે 11 વાગ્યે હોસ્પિટલમાં જઇ દર્દીઓના મોબાઈલ નંબર માંગ્યા અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં સદસ્યો બનાવવામાં આવ્યા. 


અત્રે જણાવવાનું કે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઉદય કાનગડ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલમાં જઇ સદસ્ય બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે ?