ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે જિલ્લા પંચાયતની સંકલન બેઠક મળી હતી. પરંતુ આ બેઠકમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. જિલ્લા પંચાયતમાં કુલ 13 મહિલાઓ સભ્ય છે, પરંતુ તેમાંથી ત્રણ મહિલા સભ્યો હાજર રહ્યાં હતા. જ્યારે બાકીની મહિલા સભ્યોના પતિ બેઠકમાં હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિએ આપી હાજરી
રાજકોટ જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં માત્ર ત્રણ મહિલા સભ્યો હાજર રહી હતી. બાકી મહિલાઓના પતિઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિદેવો આવતા હોબાળો મચી ગયો હતો. આ બેઠક અંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખે કહ્યુ કે, હવે મહિલા સભ્યોને હાજર રહેવા સૂચના આપીશું. 


આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષામાં સિદ્ધ કરેલી પેનથી પરીક્ષા આપશો તો થઇ જશે પાસ! દુષ્યંત બાપજી મહારાજે શું કરી સ્પષ્ટતા?


રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે આપ્યુ નિવેદન
સંકલન બેઠકમાં મહિલા સભ્યોની ગેજહાજરી જોવા મળતા હોબાળો મચી ગયો હતો. આ અંગે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાએ કહ્યુ કે, મહિલાઓ બેઠકમાં આવતી હોય છે પરંતુ તે અભણ હોય છે. એટલે તેમના કામ તેમના પતિ કરતા હોય છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં મહિલા સભ્યોને ફરજીયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. 


રાજકોટ જિલ્લા પંચાયતમાં જૂથવાદ
રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપની સત્તા આવી તેને આગામી 16 માર્ચના 1 વર્ષ પૂર્ણ થશે. જોકે તે પહેલાં જ ભાજપના સભ્યો વચ્ચે અસંતોષ અને નારાજગી જોવા મળી. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર સામે બાંધકામ સમિતિના ચેરમેન પી.જી.ક્યાડાએ નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા સમક્ષ અન્ય સભ્યોને સાથે રાખી રજૂઆત કરી હતી. જેને લઈને આજે રાજકોટ જિલ્લા પંચાયતમાં સંકલન સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર ઉપર ઉપસ્થિત સભ્યોએ તડાફડી મચાવી હતી અને નારાજગી વ્યક્ત કરી હતી. સભ્યોની આ નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા. અને ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો કરાયા હતા. ત્યારે સમગ્ર ઘટનાથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube